શ્રીમતી આર.કે.પટેલ ઉ.મા. કન્યા વિદ્યાલય, લક્ષ્મીપુરા, પાલનપુર ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો

12 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
તાજેતરના આધુનિક ટેકનોલોજીના યુગમાં દિન-પ્રતિદિન સાયબર ફ્રોડના બનાવોનું પ્રમાણ વધી રહેલ હોઇ લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતિ કેળવવા માટે શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી બેન્જ, ભુજ તથા શ્રી અક્ષય રાજ, પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા, પાલનપુર નાઓની સુચના આધારે શ્રી બી.પી.મેઘલાતર, પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુરના સીધા માર્ગદર્શન હેઠળ PSI શ્રી એમ.આર.મોદી તથા હથિયારી હેડ કોન્સ. શૈલેષભાઇ લુવા નાઓ દ્વારા શ્રીમતી આર.કે.પટેલ ઉ.મા. કન્યા વિદ્યાલય, લક્ષ્મીપુરા, પાલનપુર મુકામે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો. શ્રીમતી રાજીબા હાઇસ્કુલ, લક્ષ્મીપુરા ખાતે યોજાયેલ સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારમાં હાઇસ્કુલના આચાર્યા શ્રીમતી શારદાબેન પટેલ, સુપરવાઇઝર યોગેશભાઇ મોદીની સાથે તમામ શૈક્ષણિક સ્ટાફ ઉપરાંત ધોરણઃ ૧૦ થી ૧૨ માં અભ્યાસ કરતી આશરે ૪૦૦ જેટલી વિદ્યાર્થીની દીકરીઓ ઉપસ્થિત રહેલ. આ સેમિનારમાં PSI શ્રી એમ.આર.મોદી નાઓએ સાયબર ફ્રોડ ની સાથે મોબાઇલ સિક્યુરિટી લગત માહિતગાર કર્યા બાદ હથિયારી હેડ કોન્સ. શૈલેષભાઇ લુવા નાઓએ ફાઇનાન્શિયલ ફ્રોડ ઉપરાંત સોશિયલ મિડીયા લગત ફેક ફેસબુક ફ્રોડ, કૌન બનેગા કરોડપતિ ફ્રોડ, ન્યૂડ વિડીયોકોલ ફ્રોડ, રિમોટ એપ્લીકેશન KYC ફ્રોડ, લોન એપ ફ્રોડ, ફેક લીંક ફ્રોડ, વિદેશથી ગિફ્ટ પાર્સલના નામે ડમી કસ્ટમ ઓફિસરના બહાને ફ્રોડ, સીમકાર્ડ સ્વેપિંગ, વોટ્સએપ કોલ ફ્રોડ, ઇલેક્ટ્રીસીટી ઓફિસર મેસેજ ફ્રોડ ઉપરાંત સોશિયલ મિડીયા એકાઉન્ટ પ્રાઇવસી – સિક્યુરિટી સંદર્ભે ગમ્મત સાથે જ્ઞાન મળે તે રીતે પ્રેઝન્ટેશન દ્વારા સરળ ભાષામાં સુંદર માહિતી આપવામાં આવી હતી. તેમજ ‘‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’’ અંતર્ગત જરૂરી પ્રશ્નોત્તરી કરી યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું. તદુપરાંત જો કોઇની સાથે સાયબર ક્રાઇમ લગત કોઇ બનાવ બને તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં.1930 ઉપર તાત્કાલિક કોલ કરીને કમ્પ્લેન કરવા સારૂ તમામને વાકેફ કરવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઇ જોષી નાઓએ કરેલ હતું અને સંસ્થા પરિવાર દ્વારા આ સુંદર માહિતી સભર સેમિનારને ખૂબ જ સારી રીતે બિરદાવવામાં આવેલ હતો.





