જંબુસર તાલુકાનાં ખેડૂતોને પડતા પર પાટુ જંબુસર તાલુકામાં કૃષિ ક્ષેત્રમાં કપાસના પાકમાં સુકારાનો રોગ આવતાં ખેડૂતો ચિંતિત બન્યા.
જંબુસર તાલુકામાં ચાલુ સાલે કૃષિ ક્ષેત્રમાં સારા વરસાદનાં કારણે ૩૨૧૦૦ હેક્ટર જમીનમાં ચોમાસુ એટલે કે ખરીફ પાક પિયત અને બિન પિયત કપાસનું વાવેતર થયેલું છે. કાનમ કપાસના પ્રદેશ તરીકે આ વિસ્તાર સમગ્ર ગુજરાતમાં પંકાય છે. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો અહીંની કાળી અને ચીકણી માટીની જમીન લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરી રાખે છે જે કપાસના પાકને અનુકૂળ આવે છે. આ વર્ષે કપાસના પાકનું વધુ વાવેતર જોવા મળી રહ્યું છે એટલે કે રોકડિયા પાકનું વધુ વાવેતર થયેલું જોવા મળે છે.
આ વર્ષે કપાસના પાકમાં સારા પ્રમાણમાં ફલીકરણ અને ઝીંડવા આવતા સારી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ તાજેતરમાં વધુ ગરમી પડવાથી એટલે કે તાપમાન નો પારો ઊંચે જતા કપાસના છોડમાં સુકારો આવી ગયો છે. જેથી ખેડૂત ચિંતામાં ડૂબી ગયો છે. આખું વર્ષ તનતોડ મહેનત કરીને આખા વર્ષના રોટલા કાઢવા માટે ખેડૂતે મોંઘા ભાવનાં બિયારણો , જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરો તેમજ ખૂબ શ્રમ કરીને પાક તૈયાર કર્યો છે પરંતુ સુકારાનો રોગ આવતાં મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય એવી દહેશત ઊભી થઈ છે. જેથી ખેડૂતોને માથે વધુ એક કુદરતી આપત્તિ આવી છે. ઉપરોક્ત બાબત અંગે કૃષિ અધિકારીને ફોન કરતાં તેમણે જણાવ્યું હતું કે સુકાતા છોડ તેમજ તેની આજુબાજુના ૫૦ કે ૬૦ છોડનાં થડ પાસે મેન્કોઝેબ ૦.૨ ટકા (૧૦ લીટર પાણીમાં ૨૭ ગ્રામ ) અથવા કોપર ઓકઝી કલોરાઇડ
૦.૨ ટકા ( ૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ ) અથવા કોર્બેન્ડાઝીમ ૦.૧ ટકા ( ૧૦ લીટર પાણીમાં ૧૦ ગ્રામ) નું મિશ્રણ રેડવું તથા ચારથી પાંચ દિવસ પછી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આપવું. જમીનમાં ઊંચા ઉષ્ણતામાનને કારણે આ રોગ આવતો હોવાથી પાકને માફકસરનું ટૂંકા ગાળે હળવું પિયત આપવું.
પ્રાચીન સમયથી કૃષિ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે .આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. ખેતી ભારતનું મહત્વનો સંસાધન છે.૬૪ ટકા લોકો કૃષિ ક્ષેત્રના વ્યવસાયમાં જોડાયેલા છે.
” જંબુસર તાલુકાના ખેડૂત અગ્રણી રૂપસિંહ ઉદયસિંહ રાજે જણાવ્યું હતું કે ચાલુ સાલે જંબુસર તાલુકાની ખેતીમાં કપાસનાં છોડ પરના પાન રાતા એટલે કે લાલ થઈને ખરી પડે છે અને કપાસનો છોડ ઊંચકાઈ જાય છે અને સુકાઈ જાય છે. જેથી ખેડૂતો પોતાના સંતાન સમા મહામૂલા કપાસનાં છોડને બચાવવા માટે દવાઓનો છંટકાવ કરી રહ્યા છે જોકે તાલુકામાં કુદરતી આપત્તિ આવતાં ખેડૂતોને દાઝયા પર દામ જેવી પરિસ્થિતિ થઈ છે. ”
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 










