
જમ્મુ અને કાશ્મીરના શીખોએ સામૂહિક હિજરતની ચેતવણી ઉચ્ચારી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં રજુ કરેલા ખરડામાં કાશ્મીરી પંડિતો અને PoK શરણાર્થીઓ માટે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બેઠકો અનામત રાખવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. જયારે લઘુમતી શીખ સમુદાયની અવગણના થતા તેમણે સામૂહિક હિજરતની ચેતવણી આપી છે.
કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવતા શીખ સંગઠને કહ્યું છે કે જો જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શીખ લઘુમતી માટે બે બેઠકો અનામત નહીં રાખવામાં આવે તો તેઓ સ્થળાંતર કરશે.
ઓલ જમ્મુ અને કાશ્મીર ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ બલદેવ સિંહે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષના આતંકવાદના સમયગાળા દરમિયાન શીખોએ અનેક બલિદાન આપ્યા છે અને મુશ્કેલીઓ હોવા છતાં બચવાનો માર્ગ પસંદ કર્યો નથી. બલદેવ સિંહે કહ્યું કે હવે જ્યારે સરકાર સ્થળાંતરિત કાશ્મીરી પંડિતો માટે અનામતમી જાહેરાત કરી રહી છે ત્યારે શીખોના બલિદાનોની અવગણના કરવામાં આવી રહી છે. જો લઘુમતી શીખ સમુદાયને અનામત આપવામાં ન આવે અને નવી એસેમ્બલીમાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે બે બેઠકો અનામત ન રાખવામાં આવે, તો કાશ્મીર ખીણમાં રહેવાનો કોઈ અર્થ નથી.
કેન્દ્ર સરકારે લોકસભામાં જમ્મુ અને કાશ્મીર અનામત કાયદા અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ સબંધિત ચાર મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા હતા, આ પછી જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય ખેંચતાણ વધી છે. બીલમાં પ્રસ્તાવિત નવા સુધારા મુજબ, પહાડી ભાષી વસ્તી અને ઉચ્ચ જાતિના હિંદુઓને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવા આવ્યો છે. આ ઉપરાંત વિધાનસભામાં બે બેઠકો કાશ્મીરી પંડિતો માટે, એક PoK શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે.
વિરોધ પક્ષો અને આદિવાસી જૂથોએ આ બીલ વિશે આશંકા વ્યક્ત કરી છે, ગુર્જરો અને બક્કરવાલોએ પહાડી અને ઉચ્ચ જાતિના હિંદુઓને STનો દરજ્જો આપવા સામે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કર્યું છે. તે જ સમયે, રાજકીય પક્ષોએ વિધાનસભામાં અનામતને ચૂંટણી સાથે છેડછાડ ગણાવી છે.
નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે ભાજપ જમ્મુ અને કાશ્મીરમાં હારથી ડરે છે અને હવે આવી અનામત દ્વારા ચૂંટણીમાં છેડછાડનો આશરો લઈ રહી છે.










