
મોરબી ઝુલતા પુલ ઘુર્ઘટના મામલે પીડિત પરિવારો માટે સારા સંકેત છે. આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ઓરેવા કંપનીએ વળતરની તૈયારી તો દર્શાવી છે, પરંતુ વચગાળા માટે વધારે વળતર ચૂકવવું પડશે. પીડિત પરિવારોને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે વળતર ચૂકવવા અંગે કોર્ટ આજે કદાચ હુકમ કરશે.

મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં ગઈકાલે 20 ફેબ્રુઆરીએ ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોરબી પુલ દુર્ઘટનાના 7 જેટલા પીડિત પરિવારો હાઇકોર્ટ પહોંચ્યા હતા. સરકાર સામે પીડિતોએ નારાજગી વ્યકત કરી હતી. સરકારે યોગ્ય વળતર ન આપ્યુ હોવાની હાઇકોર્ટમાં પીડિતોએ રજૂઆત કરી હતી. સરકારે આપેલા વળતર પર પીડિતોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. આ સાથે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક પરિવાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે.
એફિડેવિટમાં પીડિત પરિવારે કહ્યું કે વર્ષ 1990માં દિલ્હીમાં ઉપહાર સિનેમામાં થયેલ અગ્નિકાંડમાં જો કરોડો રૂપિયાનું વળતર મળે, તો મોરબીની દુર્ઘટનામાં સરકાર અમને માત્ર 10 લાખ આપીને ચૂપ કેમ છે. તે સમયે કરોડોનું વળતર તો હાલ માત્ર 10 લાખ જ કેમ?









