ગુજરાતમાં દિવસેને દિવસે નબીરાઓ દારૂ પીને અકસ્માત કરતા હોય તેવા કેસો વધી રહ્યા છે: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં દારૂબંધી છે, તો આ દારૂ આવે છે ક્યાંથી?: ઈસુદાન ગઢવી
અમદાવાદના એક વિસ્તારમાંથી 200 થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા પકડાયા તો આખા ગુજરાતની શું હાલત હશે?: ઈસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ગુજરાતમાં દિવસેને દિવસે નબીરાઓ દારૂ પીને અકસ્માત કરતા હોય તેવા કેસો વધી રહ્યા છે. જેગુઆર ગાડીનો અકસ્માત થયો એ મામલો શાંત નથી પડ્યો ત્યાં તો, BMW વાળાએ વધુ એક અકસ્માત કર્યો અને તપાસમાં જાણવા મળ્યું કે નબીરો દારૂ પીધેલી હાલતમાં હતો. ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી તો તેમાં 200 થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા પકડાયા હતા. પણ કહેવાય છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આ દારૂ આવે છે ક્યાંથી? અને આ તો ફક્ત અમદાવાદના એક વિસ્તારની વાત છે, તો આખા ગુજરાતમાં કેટલો દારૂ વેચાતો હશે? સવાલ એ થાય છે કે સરકાર શું કરી રહી છે?
સરકાર દારૂબંધીના કડક અમલની વાતો કરી રહી છે, તો મારો સવાલ એ છે કે આ નબીરાઓ દારૂ પીને બેફામ અકસ્માતો કરી રહ્યા છે તો એ દારૂ ક્યાંથી આવી રહ્યો છે? શું ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ રોડ પર કચડાઈ જવા માટે જન્મ લીધો છે? આ ખૂબ જ દુઃખ ભરી વાત છે અને આ સ્થિતિને સુધારવાની જરૂરત છે. અમારી માંગ છે કે મુખ્યમંત્રી પોતે આ બાબતમાં રસ લે, કારણકે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી રહી છે.










