વડગામડા ખાતે આરોગ્ય લક્ષી વ્યવહાર પરિવર્તન જાગૃતિ કાર્યક્રમ અને નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

૧૯ જૂન
વાત્સલ્યમ્ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાને કેન્દ્ર સરકાર દ્વારા એસ્પીરેશનલ તાલુકા તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ તાલુકામાં નાગરિકોને આરોગ્ય અને શિક્ષણ સહિતની વિવિધ સેવાઓનો સંકલન પૂર્ણ લાભ મળે અને તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તે માટેનું આગોતરું આયોજન કરવામાં આવી રહયું છે.
જે અંતર્ગત વિશેષ કરીને આરોગ્ય સેવાઓ પરત્વે સામાજિક પરિવર્તન આવે તે માટે નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર શ્રીમતી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલ અને બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા એક કાર્યયોજના તૈયાર કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે થરાદ તાલુકામાં આશા બહેનો, આંગણવાડી કાર્યકરો, સ્વ-સહાય જૂથો, સેવા સહકારી મંડળીઓ, વિવિધ સેવા સંગઠન, બી.આર.સી.કો.ઓર્ડિનેટર, આઇ.સી.ડી.એસ., ડી.આર.ડી.એ, બનાસડેરી વગેરેનો આરોગ્ય સેવાઓને વધુ સરળ અને સઘન બનાવવામાં સંકલનપૂર્ણ સહયોગ મળી રહે તે માટે રાજ્યની આરોગ્ય ટીમ દ્વારા રૂબરૂ અભ્યાસ મુલાકાત લેવામાં આવી રહી છે.
આ મુલાકાત દરમ્યાન વડગામડા સેવા સહકારી મંડળીના મંત્રીશ્રીએ આરોગ્ય સેવાઓ પરત્વે ગ્રામજનોમાં જાગૃતિ ઊભી કરવા એક કેમ્પ તથા માર્ગદર્શક શિબિર યોજવા સૂચન કર્યું હતું આ સૂચનને અંતર્ગત આરોગ્ય સેવાઓ પ્રત્યે વ્યવહાર પરિવર્તન લાવવા તાલુકા હેલ્થ કચેરી – થરાદ દ્વારા સેવા સહકારી મંડળી – વડગામડાના ઉપક્રમે વડગામડા ગામે અંબાજી મંદિરના પટાંગણમાં જાગૃતિ કાર્યક્રમ અને વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સેવા સહકારી મંડળી વડગામડાના મંત્રી શિવરામભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મંડળીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. હરેશ જેપાલે રાજયનું આરોગ્ય તંત્ર છેવાડાના ગામડા સુધી ઘરઆંગણે આરોગ્ય સેવા પૂરી પાડવા પ્રયત્નશીલ છે તેમ જણાવી જરૂરિયાતમંદોને આરોગ્ય સેવા અને આરોગ્ય સુવિધાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ નિમિત્તે આરોગ્ય પ્રત્યે વ્યવહાર પરિવર્તન લાવવા જાગૃતિ ઊભી થાય તે માટેની સમજ આપતાં એસ.એચ.એસ.આર.સી.ના કન્સલ્ટન્ટ કેપ્ટન જયદેવ જોશીએ ઉપસ્થિત માતાઓને નારી શક્તિ ગણાવી ઘરના તમામ સભ્યોને આરોગ્યપ્રદ જીવન જીવવાની કેળવણી આપવા અનુરોધ કરતાં આરોગ્ય સેવાઓનો લાભ લેવા તથા તમામને નિર્વ્યસની બનાવવા અપીલ કરી હતી.
આ કેમ્પમાં કન્સલ્ટન્ટ શ્રી રાકેશ જાનીએ સૌને અંધશ્રદ્વા, વહેમો, ગેરમાન્યતાઓને ત્યજી સ્વસ્થ જીવન જીવવા માટે નિયમિતપણે નજીકની સ્વાસ્થ્ય સંસ્થાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે કન્સલ્ટન્ટ શ્રી ધીરુ કોટવાલે સગર્ભા બહેનોને નિયમિતપણે સ્થાનિક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવવા અને પોષણયુક્ત આહાર લેવા સમજ આપી હતી.
ભોરડુ પ્રાથમિક કેન્દ્ર દ્વારા આયોજિત આ કેમ્પમાં સેવા સહકારી મંડળીના તમામ સભાસદ ભાઈ-બહેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોના બિનચેપી રોગો તથા બ્લડપ્રેશર, ડાયાબિટીસ, શરદી ખાંસી, તાવ વગેરેની સ્થળ ઉપર જ સઘન તપાસ કરી જરૂરી સારવાર અને તબીબી સલાહ પૂરી પાડવામાં આવી હતી.
આ કેમ્પને સફળ બનાવવા ભોરડું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. પ્રતિક સુથાર, આયુષ મેડિકલ ઓફિસર ડો.હિરજી ચૌધરી, ડો.વિક્રમ રાજપુત, સી.એચ.ઓ શારદાબેન ચૌધરી,એમ.પી.એચ.ડબલ્યુ.શૈલેષભાઈ ફાર્માસિસ્ટ વિક્રમભાઈ પટેલ સહિત નર્સ બહેનો અને સ્ટાફે ખડે પગે સેવાઓ પૂરી પાડી હતી.







