
ભારતીય લોક પ્રશાસન સંસ્થાન, નવી દિલ્હીના તાલીમી અધિકારીઓએ ૪૯ માં એડવાન્સ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી
જંગલ સફારી, આરોગ્ય વન, સરદાર સરોવર ડેમ સહિત આસપાસના પ્રકલ્પોની મુલાકાત લઈને આનંદ માણતા તાલીમી અધિકારીઓ
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારતીય લોક પ્રશાસન સંસ્થાન, નવી દિલ્હી દ્વારા આયોજીત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ દ્વારા ૪૯ માં એડવાન્સ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ અંતર્ગત કેન્દ્રીય સેવાના તાલીમી અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તેમનું ઉમકળાભેર સ્વાગત કરાયું હતું.

આ તકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે પધારેલા ઉચ્ચ અધિકારીઓએ સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતુ તસ્વીરી પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી ડેમનો નજારો અને લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો હર્યા ભર્યા વનોનો નજારો મન ભરીને માણ્યો હતો.
ભારતીય લોક પ્રશાસન સંસ્થા, નવી દિલ્હીના પ્રો.ડો. અમિત સિંહ જણાવે છે કે, કેન્દ્રના વિવિધ વિભાગો અને સંરક્ષણ સેવાઓના અધિકારીઓ અહીં વિશ્વની સૌથી વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવ્યા છીએ. અહીં અમને ખૂબજ ખુશી આનંદ થાય છે. પ્રથમ નજરે અમને સરદાર સાહેબની પ્રતિમાને નિહાળતા તેમની ભવ્યતા અને દિવ્યતાના દર્શન થયા છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના અનુભવ કરીએ છીએ.
વધુમાં મહેમનાઓ જંગલ સફારીની પણ મુલાકાત લીધી હતી. જંગલ સફારીની સફર માણતા કેન્દ્રીય સેવાના તાલીમી અધિકારીઓએ વિવિધ વિભાગોની રસપૂર્વક મુલાકાત લઈને વન્યજીવોની જાળવણી, કાળજી-રખરખાવ અને ખોરાક સહિતની તમામ સુવિધાઓથી માહિતગાર થઈ ફોરેસ્ટ વિભાગની કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી હતી. ગાઈડ તરીકે મિતેશભાઈ બારીયાએ અતિથિ વિશેષને તમામ વિભાગોની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.









