
તા.૨૧/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: “હું એક કપડાંની દુકાનમાં કામ કરી મારા પરીવારનું ગુજરાન ચલાવું છું. મારી પત્ની હયાત ન હોઈ, મારા બાળકનો એકલે હાથે ઉછેર કરી રહ્યો છું. મારાં દીકરાને બોલતો સાંભળતો કરવાંની ઈચ્છા ઘણી હતી, પણ સર્જરીનો ખર્ચ હું ઉપાડી શકું એમ નહોતો. આવા સમયે ગુજરાત સરકાર મારો ટેકો બની અને વિનામુલ્યે મળેલી સારવારથી જીવનમાં પહેલી વાર મારા દીકરાએ અવાજની અનૂભુતિ કરી. મારા દીકરાને બોલવાં – સાંભળવા સક્ષમ કરવા બદલ રાજ્યસરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર માનું છું.”
રાજ્યસરકાર પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં આ શબ્દો છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના શહેરી વિસ્તારમાં રહેતા છ વર્ષીય બાળક યતિકના પિતા મયુરભાઈ બરાચના.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે આંગણવાડીમાં સ્ક્રિનિંગ દરમિયાન આર.બી.એસ.કે. ટીમને દીકરા યતિકની જન્મજાત મુક બધિરતાની ખામી અંગે જાણકારી મળી હતી.
બાળકના માતા હાલ હયાત ન હોવાથી ટીમ દ્વારા બાળકના પિતા અને દાદા-દાદીને જન્મજાત મૂક-બધિરતાની ખામી અને સારવાર વિશે માહિતગાર કરી હૈયાધારણ આપી અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ ઓપરેશન વિનામૂલ્યે થશે તેવી જાણકારી આપી.
સંદર્ભ સેવાના લાભ સાથે બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યું. ત્યાં જન્મજાત બધિરતા કન્ફર્મ થતા નિષ્ણાત તબીબો દ્વારા બાળકની કોકલિયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી.
હાલ બાળકને સ્પીચ થેરાપી પણ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. ઓપરેશન બાદ પણ આર.બી.એસ.કે ટીમ જેતપુરના આરોગ્ય કર્મીઓ ઘરે જઈ પરિવારના સભ્યોની જેમ જ બાળકની સંભાળ લઇ રહ્યાં હોવાથી પરિજનોએ ખુશી વ્યક્ત કરી તાલુકા આરોગ્ય અધિકારી ડો. કુલદીપ સાપરીયા, આરોગ્ય ટીમના ડો. રાજેશ બુટાણી અને ભાવિશા રૈયાણીનો આભાર માન્યો હતો.
ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે થતી આ સર્જરી સિવિલ હોસ્પિટલમાં વિનામુલ્યે કરી આપવામાં આવે છે. આ સર્જરી પ્રથમ એક કાનમાં કરવામાં આવે છે. આશરે દસ દિવસ બાળકને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે.
આ સર્જરી મગજની નર્વ સાથે ડાયરેક્ટ જોડાયેલ હોઈ તે ભાગમાં રસી કે અન્ય કોઈ ઇન્ફેક્શન ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. મશીન ઓન કર્યા બાદ બાળકને તબક્કા મુજબ ધ્વનિ અને શબ્દોથી પરિચિત કરવા ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા સેશન વાઈઝ આશરે એક વર્ષ સુધી સ્પીચ થેરાપી આપવામાં આવે છે.
નિષ્ણાત થેરાપીસ્ટ દ્વારા આપવામાં આવતા 100થી 150 સેશનનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. તાલીમના 6મહિનાની અંદર, કોકલીયર ઇમ્પ્લાન્ટ ધરાવતા મોટાભાગના બાળકો વાણી સમજવા લાગે છે.
રાજ્ય સરકારે બાળકોમાં રહેલી જન્મજાત મૂક-બધિરતા દૂર કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે “ફ્રી ઇમ્પ્લાન્ટ યોજના” 2015થી અમલી બનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના આરોગ્ય વિભાગે દરેક જિલ્લામાં ન્યૂ બોર્ન હિયરીંગ સ્ક્રીનીંગ OAE મશીન કાર્યરત કર્યા છે.
જેના પરિણામે, નાના અને નવજાત શિશુની મૂક-બધિરતાની ખામીનું વહેલી તકે નિદાન અને અદ્યતન સારવારથી શ્રવણશક્તિ બક્ષી સામાન્ય બાળક જેવું જીવન આપી શકાય તે માટે સરકાર દ્વારા યથાર્થ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.