વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આચારસંહિતામાં ભય વગરનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાની ફરિયાદ ઉઠી…
ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા જીગ્નેશ ત્રિવેદી દ્વારા આચારસંહિતામાં ભય વગરનો ભ્રષ્ટાચાર આચરી ચૂંટણી પ્રક્રિયાને જોખમમાં મુકતા હોવાનાં આક્ષેપો સાથે એક જાગૃત અરજદાર દ્વારા રાજ્યપાલને સંબોધીને લેખિતમાં રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.તેમજ આ કૌભાંડી શિક્ષણ અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.ડાંગ જિલ્લો આદિવાસી વસાહત ધરાવતો વિસ્તાર છે.ડાંગ જિલ્લો આદિવાસી વસાહત ધરાવતો વિસ્તાર હોવાથી આદિવાસીઓનાં ગરીબ બાળકોનાં સર્વાંગી વિકાસ થાય અને તેઓને પાયાઓની સુવિધાઓની સાથે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.પરંતુ ડાંગ જિલ્લામાં જ્યારથી જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે જીગ્નેશભાઈ ત્રિવેદીની નિમણૂક થઈ છે ત્યારથી જિલ્લામાં શિક્ષણની વિકાસકીય યોજનાઓ માત્ર કાગળ પર જ રહી જવા પામી છે.ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા જીગ્નેશ ત્રિવેદી દ્વારા આચારસંહિતામાં પણ કોન્ટ્રાક્ટરોને ધાક ધમકીઓ આપી તથા બિલો ઉપર સહી ન કરી આપવાનું જણાવી પોતાના ક્વાર્ટર્સનું રીપેરીંગ કરાવી ચૂંટણી આચાર સંહિતાનાં ધજાગરા ઉડાડવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે એસ.એસ.એ.અંતર્ગત કરોડો રૂપિયાનાં ખર્ચે અસંખ્ય ઓરડાનાં બાંધકામની કામગીરી ચાલી રહી છે.જે ઓરડા બાંધકામની કામગીરીમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી દ્વારા હસ્તક્ષેપ કરીને મોટી ટકાવારી લઈને ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે.વધુમાં ગરીબ આદિવાસી બાળકોના વિકાસની ગ્રાન્ટમાંથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ઉઘરાણૂ કરી બે જ મહિનામાં લાખોનાં મતાની ગ્રાન્ડ વિટારા ફોર વ્હિલ ગાડી લીધી હોવાનો આક્ષેપ પણ કરાયો છે.તથા પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષી પોતાનો વિકાસ કરતા જેના ફોટા રાજ્ય શિક્ષણ સંઘમાં પણ ફરતા થયા છે.તેમજ ડાંગ જિલ્લામાં ચાલતી સીઝનલ હોસ્ટેલ સહિત અનેક યોજનાઓમાં 10 થી 12 ટકા જેટલી ટકાવારીની ઉઘરાણી કરી શિક્ષણ અધિકારી પોતાના ખિસ્સા ભરી સરકારે ને ચુનો ચોપડવાનું કામ કરી રહ્યા છે.ડાંગ જિલ્લાના ભ્રષ્ટ અને ગાંધીછાપમાં રચ્યા પચ્યા રહેનાર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષણની દરેક યોજનાઓમાં મસમોટી ટકાવારી વસુલ કરવામાં આવતા શિક્ષકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.સાથે શિક્ષકોને અને કોન્ટ્રાક્ટરોને ભાજપા મારૂ કઈ બગાડી લેવાની નથીનું જણાવી ઉઘરાણી કરવામાં આવે છે.તથા શિક્ષકો અવાજ ઉઠાવશે તો કારકિર્દી પૂરી કરી દેવામાં આવશે એવી ધમકીઓ ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવે છે. શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લા ભરના શિક્ષકોને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેમજ કોન્ટ્રાક્ટર કે શિક્ષકો ટકાવારી આપવાની ના પાડે તો શિક્ષણ અધિકારી દ્વારા ગર્ભિત ધમકીઓ આપવામાં આવતી હોય છે. શિક્ષણ અધિકારીની નિમણૂક થયા બાદ માત્ર બે જ મહિનામાં લાખો રૂપિયાનો ફૂલેકું ફેરવી નવી નકોર ફોર વ્હીલ ગાડી લઈ લીધી હોવાની લોક ચર્ચા પણ ઉઠવા પામી છે.વધુમાં ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચૂંટણીની આચારસંહિતામાં કર્મચારીઓનું મનોબળ તોડવાનું કામ કરવામાં આવી રહ્યુ છે,ત્યારે આ કૌભાંડી અધિકારીની તાત્કાલિક બદલી જો ન કરવામાં આવે તો આવનાર દિવસોમાં વલસાડ ડાંગ લોકસભાની બેઠકનાં પરિણામ પર પણ માઠી અસર પડશે જેથી આ કૌભાંડી અધિકારીની તુરંત જ બદલી કરી તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે અરજદાર દ્વારા રાજ્યપાલ સહિત ઉચ્ચકક્ષાએ લેખિતમાં ફરીયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ બાબતે રાજ્ય સરકાર પગલા ભરશે કે પછી આ કૌભાંડી અધિકારીને છાવરશે તે આવનાર સમય જ બતાવશે…