નવસારી જિલ્લાકક્ષાનાં ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાંસદા ગાંધીમેદાન ખાતે હર્ષોલ્લાસભેર કરાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં
૭૫ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમો અને આન, બાન અને શાન સાથે કરાઇ ઃ
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યની વિકાસયાત્રાને સુશાસન મારફતે ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મંત્રને સાર્થક કરીએ- નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
નવસારી જિલ્લા કક્ષાના ૭૫ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યના નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના ગાંધીમેદાન ખાતે કરવામાં આવી હતી.રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યની વિકાસયાત્રાને આગળ ધપાવવા સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી પ્રતિબધ્ધ બની રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે સંકલ્પબધ્ધ બનીએ. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ, સશક્ત અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વને પગલે દેશે અનેક કીર્તિમાનો સ્થાપિત કર્યા છે. રાજ્યની વિકાસયાત્રા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ઊર્જાવાન નેતૃત્વમાં મકકમતાથી આગળ વધી રહી છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે અને સ્વસ્થ, સલામત અને સુરક્ષિત ગુજરાત માટે સરકાર કટિબધ્ધ બની છે. દેશના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારત થકી દેશ માનવબળ, ટેકનોલોજી અને લોકતાંત્રિક તથા સર્વગ્રાહી વિકાસની દ્રષ્ટિએ રાષ્ટ્ર વૈશ્વિક અગ્રણી તરીકે ઉભરી રહ્યું છે.
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમેર્યું હતું કે સુશાસન થકી રાજ્યએ અગ્રેસરતાથી આર્થિક વિકાસ, માનવ સંસાધન, સાર્વજનિક ઉપયોગીતા, સમાજકલ્યાણ, ન્યાય અને સાર્વજનિક સુરક્ષાના પાંચ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામ કર્યું છે. દેશની આઝાદી માટે જેમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતું એ દેશભક્તોને આજે વંદન કરવાનો અવસર છે. દેશની આઝાદીથી લઈ દેશમાં સુરાજ્ય સ્થપાય તે માટે કરેલાં તેમના કાર્યો ચિરકાળ સુધી સદાય જનમાનસમાં જીવંત રહેશે.
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તથા મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય, પોલીસ, ૧૦૮માં સારી કામગીરી કરનાર શ્રેષ્ઠ કર્મયોગીઓનું સન્માન તેમજ કરૂણા અભિયાન સંસ્થાના શ્રેષ્ઠ કામગીરી તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની વિવિધ શાળાઑના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જિલ્લાની જુદી જુદી કચેરીઓની સિધ્ધિઓ ટેબ્લોઝ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમજ બેન્ડની સુરાવલીઓ સાથે પોલીસ વિભાગની વિવિધ પ્લાટૂન્સ પાસ્ટ માર્ચના કમાન્ડરશ્રી સીમરન ભારદ્વાજ (આઇપીએસ – પ્રોબેશનર) ના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી.
<span;> મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક વાંસદા પ્રાંત અધિકારીશ્રી ડી.આઈ. પટેલને અર્પણ કર્યો હતો. સમગ્ર સમારોહનું સંચાલન પ્રાધ્યાપક જશુભાઈ નાયક તથા ધરમસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું .
આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, વલસાડના સાંસદ ડો. કે.સી.પટેલ, ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, પ્રાયોજના વહીવટદારશ્રી આનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, આમંત્રિત મહેમાનો, પદાધિકારીઓ-અધિકારીઓ સહિત મોટીસંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયાં હતાં.









