
ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને નર્મદા પોલીસના જવાનો દ્વારા ફૂલ આપી શુભેચ્છા પાઠવી
વાહન ચાલકોને ટ્રાફિક નિયમન વિશે સમજૂતી આપી વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા અપીલ કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૪ અંતર્ગત આગામી ૧૪મી ફેબ્રુઆરી-૨૦૨૪ સુધી ટ્રાફિક સલામતીને લગતા વિવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા વિવિધ સ્થળોએ જઈને ટ્રાફિક સલામતી અંગે નાગરિકોમાં જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા ગુરૂવારે રાજપીપલાના કાલાઘોડા સર્કલ ખાતે આ અભિયાન અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી. જ્યારે શુક્રવારના રોજ દેડિયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમન વિશે સમજૂતી આપવામાં આવી હતી.









