
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*દંડકારણ્ય ડાંગ થી અયોધ્યા સુધી ગુંજયો શ્રી રામ નામ નો જયઘોષ*
‘રાષ્ટ્ર દેવો ભવ’ ના મંત્ર સાથે પોતાનો કર્મયોગ કરી રહેલા સેવાભાવી સનાતનિઓને આવકારી મહામંડલેશ્વર શ્રી જનાર્દન હરીજી એ, માં શબરીના વંશજોને પ્રભુ ભક્તિનો પરિચય આપવાનો ન હોય તેમ જણાવી, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોમાંથી પ્રેરણા મેળવી, અમૂલ્ય માનવ જન્મને સાર્થક કરવાની અપીલ કરી હતી.
પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં મહામંડલેશ્વર શ્રી જનાર્દન હરીજી એ, પ્રભુ શ્રી રામ અને માતા શબરીના પ્રસંગમાં વર્ણિત ભાવ અને પ્રેમના આવિર્ભાવને સમજવાની અપીલ કરતા ‘સબ સે ઊંચી પ્રેમ સગાઈ’ ની મહિમા વર્ણવી હતી. ઊંચ નીચ, જાત પાત, ધર્મ અધર્મનો છેદ ઉડાડતા શબરી મિલનના પ્રસંગની ગહન વાતોને સરળ શબ્દોમાં વર્ણવતા મહામંડલેશ્વરશ્રીએ, સનાતન હિન્દૂ સંસ્કૃતિ અનુસાર પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન સંવર્ધન માટે, પ્રતિ વર્ષ આ પવિત્ર ભૂમિમાં રામ-શબરી મિલન ઉજવવાની અપીલ કરી હતી.
તેમણે સનાતન સંસ્કૃતિમાં શ્રદ્ધા રાખતા આદિજાતિ સમાજને સંકલ્પબદ્ધ થઈ, સનાતન હિન્દૂ સંસ્કૃતિના જતન માટે રામની ખિસકોલી બની સૌને પોતાની ક્ષમતા અનુસાર યોગદાન આપવાનું આહવાન કર્યું હતું.
શબરી ધામના સ્વામી શ્રી અસીમાનંદજીએ મહારાષ્ટ્રથી પધારેલા ભાવિક ભક્તોનું વિશેષ અભિવાદન કરતા, દેશભરમાં ગુંજી ઉઠેલા પ્રભુ શ્રી રામ નામનો મહિમા વર્ણવી, દંડકારણ્યથી અયોધ્યા સુધી જાગેલા ભક્તિના ભાવમાં, ડાંગના માં શબરીના વંશજો પણ ભક્તિ અને શ્રદ્ધા અર્પણ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.
દરમિયાન જનજાતિ સમાજમાં વ્યાપ્ત સનાતન હિન્દૂ સંસ્કૃતિના જતન સંવર્ધન સાથે આદિવાસી સમાજમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરતા સેવાભાવી શ્રેષ્ઠીઓને, ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમાન દાન પુણ્ય કરી, મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવાની અપીલ પ્રયોશા પ્રતિષ્ઠાનના શ્રી પી.પી.સ્વામીજીએ કરી હતી.
માં શબરીના વંશજોનું વંદન અભિનંદન કરતા રાજ્યના આદિજાતિ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે દંડકારણ્યની પાવન ભૂમિની અસ્મિતા અને વિરાસત તથા અહીંની સનાતન સંસ્કૃતિની ક્ષમતાનો પરિચય આપી, અનેક આક્રંતાઓએ સનાતન હિન્દૂ સંસ્કૃતિને તહસનહસ કરવાની નાપાક કોશિશ કરી, તેમ છતાં સનાતન સંસ્કૃતિ તેના ‘વસૂદૈવ કુટુંબકમ’ ના સિદ્ધાંત સાથે ટકી રહી છે તેમ જણાવ્યું હતું.
રામાયણ જેવા મહાકાવ્યની રચના સહિત સમગ્ર રામકથામાં આદિવાસી સમાજના યોગદાનનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ શબરી ધામ અને પંપા સરોવરનું મહત્વ વર્ણવ્યું હતું. પ્રભુ શ્રી રામ-શબરી મિલનની ગાથા વર્ણવતા મંત્રીશ્રીએ રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો સહિત પુરાણોમાં વર્ણિત આદિવાસી પાત્રોની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
આદિવાસી સમાજને હજારો વર્ષોની પરંપરા મુજબ સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે અનેકવિધ પગલાંઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર લઈ રહી છે, ત્યારે આદિવાસી સમાજને યેનકેન પ્રકારે ગુમરાહ કરતા તત્વો સામે સૌને એકજુટ થઈને આહલેક જગાવવાનું પણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે આહવાન કર્યું હતું.
ગુજરાત અને દંડકારણ્યની પાવન ભૂમિના ગુણગાન કરતા ડાંગના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ, માં શબરીના જીવન પ્રસંગોનો ઉલ્લેખ કરી, આદિવાસી સમાજની શ્રદ્ધા ભક્તિની ક્ષમતાનો પરિચય માતા શબરીએ પૂરો પાડ્યો છે તેમ જણાવ્યું હતું. પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં મંત્રી શ્રી હળપતિએ આદિવાસી સમાજનું ત્યારે પણ, અને આજે પણ એટલું જ માન સન્માન સમાજ અને સરકારે જાળવ્યું છે તેમ ઉમેર્યું હતું.
સાંસદશ્રી ડો.કે.સી.પટેલે ભારત સરકારના કલ્યાણકારી પગલાઓનો ઉલ્લેખ કરી, અયોધ્યા સાથે ડાંગના અતૂટ નાતા ની ગાથા રજૂ કરી હતી.
ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે, તેમના પ્રાસંગિક વક્તવ્ય દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિમાં જ ‘રામ’ વણાયેલા છે, ત્યારે સનાતન સંસ્કૃતિમાં માનનારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરનારાઓની ભ્રામક વાતોમાં ન દોરવાતા, સનાતન સંસ્કૃતિના જતન સંવર્ધન માટે સૌ શબરી માતાના વંશજોને અપીલ કરી હતી.
દરમિયાન રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે શબરી ધામ અને તેના માહાત્મ્યની રૂપરેખા આપી, આદિવાસી સમાજની શ્રદ્ધા ભક્તિનો પરિચય આપ્યો હતો.
આ સાથે પંપા સરોવર થી શબરીધામ યોજાયેલ સુધી યોજાયેલ શોભાયાત્રામા પણ મહાનુભાવો જોડાયા હતા.
શબરીધામ ખાતે યોજાયેલા ‘શ્રી રામ-શબરી મિલન સમારોહ’માં મહારાષ્ટ્રથી હજારો ભાવિક ભક્તો સાથે કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ જ પધારી ચૂકેલા મહામંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દન હરી મહારાજ, શ્રી યોગી દત્તનાથ, સ્વામી શ્રી અસીમાનંદજી, શ્રી પી.પી.સ્વામીજી, કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, ગણદેવી ધારાસભ્ય વ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવીનાબેન ગાવિત, વાસુર્ણાના રાજવી શ્રી ધનરાજસિંહ સુર્યવંશી, શબરી ધામ મંદિરના ટ્રસ્ટ્રીઓ, ડાંગ ભાજપ સંગઠન પ્રમુખ શ્રી રાજેશભાઈ દેસાઈ, ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, ભાજપ મહામંત્રી શ્રી હરિરામભાઈ સાવંત, શ્રી દિનેશભાઇ ભોયે સહિતના પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.









