
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ખાતે મંત્રીઓના હસ્તે ૨૧૪.૮૫ લાખના ખર્ચે નિર્માણ પામેલ ડો. બાબાસાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું

મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર, મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને મંત્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં ૫૧૪.૪૫ લાખના ખર્ચે નિર્માણ પામેલ સરકારી કુમાર છાત્રાલય નું લોકાર્પણ કરાયું
રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામડાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ દરેક લોકોને મળી રહે તે માટે જ્યાં શાળાઓની જરૂરિયાત હોય ત્યાં શાળાનું નિર્માણ કરી શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે – મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા
સરકારની અનેક યોજનાના લાભો ડીબીટી મારફત બેંક ખાતામાં મોકલતા વચેટીયાઓથી નાગરિકોને દુર કરવાનું પ્રસંશનિય કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કરાયું છે – મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર
મંત્રીએ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત લાભોનું વિતરણ કરાયું
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર હસ્તકના ડો. બાબાસાહેબ આંબેડકર ભવન અને સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ લુણાવાડા તાલુકાના મોટા સોનેલાં ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર, સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને રાજ્યકક્ષાના સામાજિક ન્યાય અને અધિકારીતા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીઓને લાભ આપવામાં આવી રહ્યા છે. શિક્ષણ ફક્ત લોકોની જીવનની ગુણવત્તા જ સુધારતું નથી, તે પ્રગતિની તકો પણ પૂરી પાડે છે. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંકો દ્વારા ઘરે ઘરે જઇ નાગરિકોના બેંકના ખાતા ખોલાવ્યા છે. જેથી આજે દરેક નાગરિક બેંક અને ટેકનોલોજીથી અવગત થયા અને સરકારની અનેક યોજનાના લાભો ડીબીટી મારફત બેંક ખાતામાં મોકલતા વચેટીયાઓથી નાગરિકોને દુર કરવાનું પ્રસંશનિય કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કરાયું છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારી કુમાર છાત્રાલય થકી મહીસાગર જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તેમજ ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહેશે. આ છાત્રાલયમાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા/જમવાની સગવડ સરકારની દ્વારા પુરી પાડવામાં આવનાર છે. જેથી મહીસાગર જીલ્લાના સંતરામપુર, કડાણા જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી આવતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે સરકાર પ્રયત્નશીલ છે.









