
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
૫૫૪૮૪ લોકોની આરોગ્ય ચકાસણી સાથે ૫૩૯૪૩ ટી.બી અને ૧૦૧૬૬ સિકલસેલની તપાસણી હાથ ધરાઇ :
૫૨૫૪ લાભાર્થીઓને નવા PM JAY કાર્ડ અપાયા :
લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની હેઠળ પ્રતિભાવ આપ્યા ***
દેશભરમાં કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો અને તેની જાણકારી વંચિતો સુધી પહોંચાડવાના હેતુથી એક અભૂતપૂર્વ પહેલ માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા.૩૦ મી નવેમ્બર ૨૦૨૩ થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો નવસારી જિલ્લામાં પ્રારંભ થયો હતો. જે અંતર્ગત તા.૦૩ જાન્યુઆરી- ૨૦૨૪ સુધી નવસારી જિલ્લાના છ તાલુકાઓની ૩૧૬ ગ્રામ પંચાયતોમાં આ યાત્રા અને વિકાસ રથો પરિભ્રમણ કરી ચૂક્યા છે. સરકારની વિવિધ લોકયોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરી તેમને સશક્ત બનાવવા માટે આરંભાયેલી આ યાત્રાનો હેતુ વ્યાપક જનજાગૃતિ લાવવા સાથે કલ્યાણ કાર્યક્રમો થકી લાભાર્થીઓને ઘર બેઠાં જ લાભો પહોંચાડવાનો છે.
સરકારની વિવિધ યોજનાઓનો સંદેશ લઈને ખાસ તૈયાર કરાયેલી આઈ.ઈ.સી. વાનના સાન્નિધ્યે અનેકવિધ યોજનાકીય લાભો એનાયત કરવા સાથે, પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી, આરોગ્ય કેમ્પ, પશુ મેળાઓ, માહિતીપ્રદ સ્ટોલ્સ નિદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે જનજાગૃતિ કાર્યક્રમો, વિકસિત ભારતના સ્વપ્નને દર્શાવતી ફિલ્મનું નિદર્શન, પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપતી ‘ધરતી કરે પુકાર’ ફિલ્મ નિદર્શન જેવા શ્રેણીબધ્ધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
દરમિયાન નવસારી જિલ્લામાં પણ તા.૩૦ નવેમ્બર-૨૦૨૩ થી પ્રારંભાયેલી આ યાત્રા ૦૩ જાન્યુઆરી ૨૦૨૪ સુધી જિલ્લાની ૩૧૬ ગ્રામ પંચાયતોમા પહોચી હતી. જયાં દરેક ગામડાઓમાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્થાનિક પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો, જાગૃત અને બુધ્ધિજીવી નાગરિકોએ યાત્રામાં જોડાઈને, ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા છે. અત્યાર સુધી આ યાત્રામાં ૧,૨૫,૩૦૮ થી વધુ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આ યાત્રા દરમિયાન ‘માય ભારત’ અંતર્ગત ૩૫૬૧ જેટલા સ્વયંસેવકોની નોંધણી, ઉપરાંત ૫૮૬ થી વધુ મહિલાઓ, વિદ્યાર્થીઓ અને રમતવીરોનું સન્માન, ૧૨૩ સ્થળોએ ડ્રોન નિદર્શન અને અનેક લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પોતાની સફળતા વર્ણવી હતી. સાથે સાથે યાત્રાના તમામ ગામોમાં સોઇલ હેલ્થ કાર્ડ નિદર્શન, અને જૈવિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપના કાર્યક્રમો પણ યોજાયા હતા.
આ યાત્રા સાથે સાથે તમામ સ્થળોએ વિશેષ આરોગ્ય કેમ્પ આયોજિત કરાયા હતા. જેનો લાભ ૫૫૪૮૪ લોકોએ લીધો છે. જે પૈકી ૫૩૯૪૩ ગ્રામજનોનું ટી.બી.સ્ક્રિનિંગ, અને ૧૦૧૬૬ લોકોનું સિકલ સેલનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. તો ૫૨૫૪ લાભાર્થીઓને PMJAY કાર્ડ વિતરણ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત નવસારી જિલ્લાની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સાથે ‘પશુ સારવાર કેમ્પ’ પણ યોજવામા આવ્યા હતા. જેમા પશુઓની સારવાર સાથે તેમનું રસીકરણ, અને યોજનાકીય લાભોનું વિતરણ તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી પણ હાથ ધરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીના ૨૦૪૭ ના વિકસિત ભારતના લક્ષ્યની પૂર્તિ માટે, નવસારી જિલ્લા વહીવટીતંત્ર પુરી નિષ્ઠા અને મક્કમ નિર્ધાર સાથે, નવસારી જિલ્લાને પણ દરેક ક્ષેત્રે વિકસિત બનાવવા માટે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસ, અને હવે સૌના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે.









