
છત્તીસગઢ ખાતે યોજાઈ રહેલ ૩૧મી જુનિયર નેશનલ ફેન્સીંગ ચેમ્પીયનશીપ ૨૦૨૩-૨૪માં ગુજરાતની રીતુ પ્રજાપતીએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા સેબર વિમેન્સ ઈન્ડીવિડ્યુલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવેલ છે. બહેનોની સેબર વ્યક્તિગત ઈવેન્ટમાં દેશભરમાંથી વિવિધ રાજ્યોના ૭૬ ખેલાડી બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની રીતુ પ્રજાપતીએ હિમાચલની પલક ને ૧૫-૦ થી, મણીપુરની પ્રિયાને ૧૫-૧૪ થી, આન્ધ્રપ્રદેશની બેબી રેડ્ડીને ૧૫-૦૭ થી માત આપી ક્વાર્ટર ફાયનલ માં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેણીએ તમીલનાડુની જેફરલીનને ૧૫-૧૨ થી અને સેમીફાયનલમાં મણીપુર ની અબી દેવીને ૧૫-૧૩ થી હરાવી ફાયનલમાં પ્રવેશ કર્યો હતો. ફાયનલમાં જમ્મુની શ્રેયા ગુપ્તા સામે ૧૫-૩ થી પરાજય થતા સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. રીતુ પ્રજાપતી મુળ મહેસાણા જિલ્લાની છે અને ખેલો ઈન્ડીયા યોજના અંતર્ગત વિજયી ભારત ફાઉન્ડેશન સંચાલીત ફેન્સીંગ એકેડમીમાં ઘનિષ્ઠ તાલીમ મેળવી રહી છે. સિલ્વર મેડલ મેળવવા બદલ એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ દુર્ગેશ અગ્રવાલ અને મંત્રી ભરતજી ઠાકોરે ખેલાડી રીતુ પ્રજાપતી અને સપોર્ટ સ્ટાફને અભિનંદન પાઠવેલ છે.
ભરત ઠાકોર ભીલડી