
આપ ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટ માં રજૂ કરાયા : ત્રણ દિવસના રિમાન્ડને કોર્ટની મંજૂરી
જુનેદ ખત્રી : રાજપીપલા

ડેડીયાપાડા ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા બેન, પીએ અને એક ખેડૂત વિરુદ્ધ વન કર્મીને માર મારવા, ગેરકાયદેસર મંડળી બનાવી બળજબરી પૂર્વક પૈસા પડાવવા સંદર્ભે વન વિભાગના કર્મચારી એ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવા સામે આર્મ્સ એક્ટ મુજબ પણ ફરિયાદ નોંધાઇ હતી ત્યારે પોલીસે ધારાસભ્યના પત્ની શકુંતલા બેન, અંગત મદદનીશ, તેમજ ખેડૂતની ધરપકડ કરી હતી ધારાસભ્ય ચૈતર વસાવા ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યારબાદ ધારાસભ્ય સહિત અન્ય આરોપીઓના જામીન અંગે તાલુકા કોર્ટ થી હાઇકોર્ટ સુધી અરજીઓ કરવામાં આવી હતી હાઇકોર્ટે પણ તમામ આરોપીઓ સામેની જામીન અરજી ના મંજૂર કરી હતી
એક મહિનાથી વધુ સમય ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં રહ્યા બાદ ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ તેઓએ ડેડીયાપાડા પોલીસ મથકમાં આત્મ સમર્પણ કર્યું હતું આજે તેઓએ ડેડીયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
આજે ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કર્યા બાદ સરકારી વકીલ મુકેશ ચૌહાણ દ્વારા સરકાર તરફેણમાં દલીલ કરી અને તપાસ માટે દેડીયાપાડા પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી આપ ના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે દલીલ કરી હતી પોલીસ ફરિયાદને નકારી રિમાન્ડ માંગવાનાં મુદ્દાને પડકાર્યા હતા ત્યારે ધારાસભ્યને કોઈ પણ તકલીફના પડે એવા સૂચન સાથે નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
** પોલીસે રિમાન્ડ અરજીમાં ધારાસભ્ય ઢોંગી છે એમ લખ્યું !??
ધારાસભ્ય ચૈતર વસાવા વતી કોર્ટમાં રજૂઆત કરનાર વકીલ ગોપાલ ઇટાલિયા એ જણાવ્યું હતું કે પોલીસે ધારાસભ્ય વિશે રિમાન્ડ અરજીમાં જે શબ્દ લખ્યા છે કે ધારાસભ્ય ઢોંગી છે તે અસ્વીકાર્ય નિમ્મકક્ષાની બાબત છે આ બાબતે નામદાર કોર્ટને પણ રજૂઆત કરી છે ધારાસભ્યને ઢોંગી કહેવા એની પાછળ જણાઈ આવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય આકાઓ હશે આ બાબતે નામદાર કોર્ટે તેનું સંગ્યાન પણ લીધું છે ચૈતર વસાવા સામે કેસની ઘટના રાજકીય ઘટના છે ફાયરિંગ ની ઘટના બનીજ નથી તેમ પણ તેઓએ જણાવ્યું હતું અમે નામદાર કોર્ટમાં રજૂઆત કરી છે કે આખી ઘટના જ ઉપજાવી કાઢેલી છે









