આસીફ શેખ લુણાવાડા
અનાથ નિરાધાર બાળકો માટે પાલક માતા-પિતા યોજના
આ યોજનાનો લાભ લેવા માટે https://esamajkalyan.gujarat.gov.in ની વેબસાઇટ પર જઈ અરજી કરી શકશે
બાળકોનાં સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઈ વિકલ્પ નથી છતાં કેટલાક વિપરીત સંજોગોને કારણે અનાથ નિરાધાર બનેલાં બાળકો માટે તેમના નૈસર્ગિક કુટુંબમાં એટલે કે સંસ્થાઓમાં ઉછેર થતો હોય છે. સંસ્થાકીય ઉછેર બાળક માટે માત્ર છેવટનો ઉપાય ગણી શકાય. આથી આવા નિરાધાર અનાથ બાળકોને સંસ્થાકીય વાતાવરણમાં રાખી ઉછેરવાની જગ્યાએ તેઓને વૈકલ્પિક કુટુંબમાં રાખી પ્રાકૃત્તિક વાતાવરણમાં ઉછેર કરવાથી તેઓનો સ્વસ્થ અને સંતુલિત વિકાસ હેતુ રાજ્ય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના અમલમાં છે.
આ યોજના હેઠળ ૦ થી ૧૮ વર્ષ સુધીનાં બાળકો જેમના માતા-પિતા બન્ને અથવા માતા કે પિતાનાં મૃત્યુ બાદ હયાત માતા કે પિતા એ પુનઃલગ્ન કર્યા હોય તેવા બાળકોનો ઉછેર પાલક વાલી (જેમ કે દાદા-દાદી, નાના-નાની, કાકા, મામા, ફોઈ, માસી, ભાઈ કે નજીકના કોઈ સંબંધી) દ્વારા દેખભાળ કરવામા આવતી હોય તેવા બાળકો માટે આ યોજના કાર્યરત છે. જેમા માસિક રૂ.૩૦૦૦/-ની ૧૮ વર્ષ કે અભ્યાસ બંધ કરે ત્યાં સુધી સહાય મળવાપાત્ર છે.
આ યોજના અંતર્ગત યોગ્યતા અને પુરાવા માટે પાલક માતા-પિતા યોજનાની અરજી સાથે માતા-પિતાનો મરણનો દાખલો, બાળકનું જન્મનું પ્રમાણપત્ર, શાળા/આંગણવાડીનું બોનોફાઈડ, બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, પાલક વાલીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, પાલક વાલીનો આવકનો દાખલો (મામલતદાર અથવા ટીડીઓનો) (ગ્રામ્યકક્ષાએ રૂ.૨૭,૦૦૦/- થી વધુ અને શહેરી કક્ષાએ રૂ.૩૬,૦૦૦/- થી વધુનો), રેશનકાર્ડ, બાળકનો આધારકાર્ડ, પાલક વાલીનો આધારકાર્ડ, બેંક ખાતાની પ્રમાણિત નકલ, પુનઃ લગ્નના કિસ્સામાં માતાએ પુનઃ લગ્ન અંગેનું સ્વઘોષણાપત્ર અથવા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા તલાટી કમ મંત્રીનો દાખલો જોડવાનો રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટે https://esamajkalyan.gujarat.gov.in ની વેબસાઇટ પર જઈ નિયામક સમાજ સુરક્ષા ખાતા હસ્તકની યોજનામાં લાભાર્થી પોતે જાતે પણ અરજી કરી શકશે. તેમજ વધુ જાણકારી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં.૨૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી, લુણાવાડા, જી.મહિસાગર ખાતે મુલાકાત લેવા અથવા ફોન નંબર- (૦૨૬૭૪) ૨૫૦૫૩૧ પર સંપર્ક કરવાનું જિલ્લા બાળ સુરક્ષા ઓફિસ દ્વારા જણાવ્યું છે









