નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલ ૧૨ અરજદારોને ૧૦.૧૩ લાખ જેટલી રકમ સાયબર સેલે પરત અપાવી

નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલ ૧૨ અરજદારોને ૧૦.૧૩ લાખ જેટલી રકમ સાયબર સેલે પરત અપાવી
જુનેદ ખત્રી : રાજપીપળા
આજનો યુગ આધુનિક યુગ છે સામાન્ય રીતે દરેક વ્યક્તિ પાસે મોબાઈલ હોય છે મોબાઈલ અને ઇન્ટરનેટના ફાયદાઓ અનેક છે તેની સાથે ગેરફાયદા પણ છે દરોજ અનેક લોકો સાયબર ક્રાઇમ નો ભોગ બનતા હોય છે અને પોતાના ખાતામાંથી રૂપિયા ગુમાવવાનો વારો આવે છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વિભાગના સાયબર સેલે જિલ્લાના ૧૨ અરજદારોને ૧૦.૧૩ લાખ જેટલી રકમ પરત અપાવી છે

નર્મદા જિલ્લા સાયબર સેલના પોલીસ કર્મચારીઓ દ્વારા યોગ્ય તપાસ કરી જે અરજદારોની રકમ સાયબર પોલીસ પોર્ટલ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલ હોય તેવી અરજીઓમાં અરજદારોની રકમ (મુદ્દામાલ) પરત કરવા માટે કુલ ૩૯ જેટલી અરજીઓ કોર્ટમાં દાખલ કરેલ હતી. જે પૈકી નામદાર કોર્ટ તરફથી ૨૪ જેટલી અરજીઓમાં રકમ(મુદામાલ) પરત કરવા માટે ઓર્ડર કરતા સદર કોર્ટ ઓર્ડરને બેંકોને ઇ-મેઇલ કરતા હાલ સુધીમાં ૧૨ અરજદારોના કુલ રૂ.૧૦,૧૩,૩૦૩/- જેટલી રકમ અરજદારોને પરત મળેલ છે તથા બાકીની રકમ પરત મેળવવા માટેની કામગીરી હાલમાં ચાલુ છે. તથા અન્ય ૧૫ અરજીઓના કોર્ટ ઓર્ડર મેળવવા માટેની કામગીરી ચાલુ છે. ઉપરોક્ત અરજદારો દ્વારા તેમની સાથે સાયબર ક્રાઇમ બાબતના નાણાકીય ફ્રોડ થયાની જાણ થતા તરત જ સાયબર ક્રાઇમ નેશનલ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર તેમની ફરીયાદ નોંધાવવામાં આવેલ હતી જેથી સદર અરજદારોના નાણા સાયબર ક્રાઇમ પોર્ટલ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલ હતા જેથી સદર અરજદારો તેમની ફ્રોડમાં ગયેલ રકમ પરત મેળવી શકેલ.
અત્રેના જીલ્લાના સાયબર સેલ યુનિટ દ્વારા જીલ્લાના તમામ નાગરીકોને જણાવવામાં આવે છે કે જ્યારે કોઇ પણ નાગરીક સાથે સાયબર ક્રાઇમનો બનાવ બને છે ત્યારે તેઓએ ત્વરિત સાયબર ક્રાઇમ નેશનલ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર ફોન કરવા તેમજ આ બાબતની જાણકારીથી જાગૃત નાગરીકો તેમના સગા સંબધીઓને માહિતગાર કરે તે ઇચ્છનીય છે









