
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં કામદ ગામ ખાતે બે વર્ષ પહેલા તૌકતે વાવાઝોડાનાં કારણે આંગણવાડીનાં પતરા ઉડી ગયા હતા. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી સમારકામ સુધ્ધા કરવામાં આવેલ નથી. જેના કારણે વહીવટી તંત્ર સામે બાળકોનાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.૬ વર્ષથી નાની ઉંમરનાં બાળકોના શિક્ષણ અને પોષણ માટે કેન્દ્ર સરકારનાં સહયોગથી રાજ્યમાં આંગણવાડી કેન્દ્ર ચલાવવામાં આવે છે, સરકાર દર વર્ષે બાળકોના વિકાસ માટે મસમોટું બજેટ બહાર પાડતી હોય છે તેમ છતાં રાજ્યમાં અનેક આંગણવાડી કેન્દ્રમાં દુર્દશા જોવા મળી રહી છે.અને બીજી બાજુ સરકાર કુપોષણ દૂર કર્યા ના આંકડા ઊભા કરીને “સબ સહી સલામત” હોવાના દાવા કરી રહી છે ત્યારે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં કામદ ગામે આંગણવાડીના અભાવને કારણે દેશનું કુમળું ભાવિ સરકારની બેદરકારીનો ભોગ બની રહ્યું છે.2021ના વર્ષમાં તૌકતે વાવાઝોડાને કારણે ડાંગ જિલ્લાના કામદ ગામ ખાતે આવેલ આંગણવાડીનાં પતરા ઉડી ગયા હતા.પરંતુ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડા ના બે વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આજ દિન સુધી આંગણવાડી નું સમારકામ પણ કરાવ્યું નથી. ત્યારે આ વહીવટી તંત્રની બેદરકારી નહીં તો શું છે ?ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની વાતો કરાય છે.પરંતુ અહીં વહીવટી તંત્રની બેદરકારીને પગલે બાળકો ને પાયાનું ભણતર પણ યોગ્ય રીતે નસીબ નથી થઈ રહ્યુ.જેના કારણે બાળકોના વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ આંગણવાડીનું સમારકામ કરાવવામાં આવે અને બાળકોની સમસ્યાને દૂર કરવામાં આવે તે જરૂરી બની ગયું છે..





