કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષના હત્યારાઓને ફાંસીની માંગ સાથે જુનાગઢ કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

રાજસ્થાનના સુખદેવસિંહ ગોગામેડી હત્યા મામલે જુનાગઢ શ્રી રાજપુત કરણી સેનાએ હત્યારાઓને ફાંસી આપવાની માંગ સાથે જુનાગઢ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજસ્થાનમાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યા બાદ દેશવ્યાપી રોષ ફેલાયો છે. ત્યારે જુનાગઢ શ્રી રાજપુત કરણી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને હત્યારાઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરી છે.
રાજસ્થાનમાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ ઘટનાના સીસીટીવી વીડીયો પણ સામે આવ્યા હતા. જેમાં બે વ્યક્તિ સુખદેવસિંહના ઘરમાં જ તેઓની ગોળી મારી હત્યા કરતા નજરે પડે છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા બાદ દેશભરમાં ઠેર ઠેર કરણી સેનાના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
શ્રી રાજપુત કરણી સેનાના જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજપુત કરણી સેના અને કરણી સેના પરિવાર તેમજ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ જાગરણ મંચ આ તમામ સંસ્થાઓ સાથે મળી જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં રાજસ્થાનમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી છે. જેના હત્યારાઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે અને તેનું એન્કાઉન્ટર કરવામાં આવે અને જો આ હત્યા બાબતે હત્યારાઓ વિરુદ્ધ વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કરણી સેના ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.