
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી કરવા તથા છેવાડાના ગામોને સો ટકા સુધી યોજનાઓના લાભ આપવા માટે સમગ્ર દેશ સહિત નવસારી જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ચાલી રહી છે.
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ અંતર્ગત ‘મેરી કહાની મેરી ઝુબાની’ થીમ હેઠળ પોતાની સાફલ્યગાથા રજુ કરતા ખેરગામ તાલુકાના ધામધુમા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ઉત્તમભાઇ પટેલે ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ધામધુમા ગામના ખેડૂત ઉત્તમભાઈ પટેલ છેલ્લા ૨૦૧૭ થી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેઓ અલગ અલગ ફળોનું ઉત્પાદન સાથે તેનું મૂલ્યવર્ધન કરીને વર્ષે સારી એવી આવક મેળવી રહ્યા છે.
ઉત્તમભાઈએ જણાવ્યું હતું કે, લગભગ સાત વર્ષ પહેલા તેમણે ખેતીવાડી વિભાગના સહયોગથી સુભાષ પાલેકર યોજનાના લાભાર્થી તરીકે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી. ત્યારથી જ આજ દિનસુધી પ્રાકૃતિક ખેતી અપનાવી તેના સાથે જોડાયેલા છીએ. પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયો પાળી છે. પ્રાકૃતિક ખેતીમાં નિયમિત રીતે જીવામૃત્ત, ઘન જીવામૃત્ત આપવાની શરૂઆત કરી, જેમાં અદ્દભૂત પરિણામ પ્રાપ્ત થયા છે. પ્રથમ વર્ષે ખૂબ સારો એવો ફળનો પાક ઉતર્યો હતો. તેઓએ છેલ્લા ઘણાં વર્ષથી વિવધ ફળોનું ટનબંધ ઉત્પાદન લઈ ચૂકયા છે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, જો તમારી પાસે ખેતીની જમીન હોય તો થોડા અંશે પણ ખેતીમાં ધ્યાન આપવાનું શરૂ કરી દો. રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે અનેકવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભો આપી રહી છે, જેનો લાભ લેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.









