
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પોલીસની “શી ટીમ” પરીવારના સભ્યોને સહાનુભુતી સાથે યોગ્ય માર્ગદર્શન પુરુ પાડશે
પોલીસની કોમ્પરેહેન્સીવ વિક્ટીમ સપોર્ટ સિસ્ટમ અનુસંધાને ગંભીર ગુનામા ભોગ બનનાર વિક્ટીમના પરિવારજનો, લાંબી સજા ભોગવતા આરોપીના પરિવારજનો, આત્મહત્યા કરનાર વ્યક્તિના સ્વજનોને પ્રત્યક્ષ મળી, પોલીસ દ્વારા તેમનુ કાઉંન્સેલિંગ કરવામા આવે છે.
આ સાથે જ સરકારશ્રી દ્વારા પુરી પાડવામા આવતી શિક્ષણ, સ્વાસ્થ્ય તથા જીવન નિર્વાહની પ્રાથમિક સુવિધાઓની સહાય જેવી કે, આયુષ્માન ભારત યોજના પી.એમ ઉજ્જવલા યોજના, વીમા યોજનાઓ વગેરે પૈકી જે તે વ્યક્તિને સંલગ્ન યોજનાઓનો લાભ મળે તે માટે કાર્યવાહી પણ હાથ ધરવામા આવે છે.
પોલીસ દફતરે ઘણા અપમૃત્યુના કેસો નોંધાતા હોય છે. જેમાં ખૂન, આત્મહત્યા, કુદરતી આફત કે રોડ એકસીડન્ટથી મૃત્યુ થવાની ઘટનાઓ હોય છે. તેમજ રેપ/લૂંટ/ગંભીર ઇજાના ગુનાઓ પણ નોંધાતા હોય છે. આવા કિસ્સામાં મૃત્યુ પામનાર/ઇજા પામનાર વ્યક્તિના પરિવારજનોને ખૂબ સહન કરવું પડતું હોય છે.
વ્યક્તિના અચાનક મૃત્યુ થવાથી કુટુંબીજનોએ પીડા ભોગવવી પડતી હોય છે. જો મૃત્યુ પામનાર વ્યક્તિ જો, ઘરની આર્થિક જવાબદારી નિભાવતો હોય,તો એ પરિવાર ઉપર જાણે મુસીબતોનો પહાડ તૂટી પડતો હોય છે. તેમનુ જીવન ખૂબ જ દુષ્કર થઈ પડે છે.
ગુનાહિત કૃત્યોમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને “વિક્ટીમ કોમ્પેનશેસન સ્કીમ” હેઠળ કાયદાકીય રીતે આર્થિક વળતર મળે છે. તેવી જ રીતના પૂર કે અન્ય કુદરતી આફતોમા મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને પણ આર્થિક સહાય મળે છે, રોડ અકસ્માતોની ઘટનાઓમા મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને પણ વીમા પોલિસી હોય તો, વળતર મળી રહે છે. પરંતુ આ તમામ આર્થિક મદદ મેળવવા માટે પ્રક્રિયાત્મક સમય જતો હોય છે. જો આવા પીડિત પરિવારના સભ્યોને, પોલીસ સંવેદનશીલ બની સહાનુભૂતિ દર્શાવી મદદ કરવાનો પ્રયત્ન કરે તો તેની સકારાત્મક અસર સમાજ અનુભવી શકે છે.
ત્યારે સુરત રેન્જ IGP શ્રી વી.ચંદ્રશેખર તેમજ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ ” કોમ્પરેહેન્સીવ વિક્ટીમ સપોર્ટ સિસ્ટમ” ના અનુસંધાને ડાંગ જિલ્લામા “પ્રોજેક્ટ સંવેદના” આકાર પામ્યો છે.
ડાંગ જિલ્લો આર્થિક રીતે પછાત જિલ્લો છે. અહિં આવકના સ્ત્રોત પણ ઓછા છે. ત્યારે જો કુટુંબનો કોઈ મોભી (કમાનાર વ્યક્તિ) અપમૃત્યુનો ભોગ બને તો તેના કુટુંબના સભ્યોનું જીવન દુષ્કર થતું અટકાવવુંએ તમામ સભ્ય સમાજના લોકોનું ઉત્તર-દાયિત્વ બને છે. ત્યારે પોલીસ દ્વારા સમાજમા પોતાનુ ઉત્તર – દાયિત્વ નિભાવવા માટે “પ્રોજેક્ટ સંવેદના” શરૂ કરવામા આવ્યો છે.
“પ્રોજેક્ટ સંવેદના” અંતર્ગત જિલ્લાની “શી ટીમ”ના સભ્યો કોઇ ઘટનામા અપમૃત્યુ પામેલ/ગંભીર ઇજા પામેલ વ્યક્તિના ઘરે જઈ, સભ્યોને મળીને તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખી સંવેદના પ્રગટ કરી, તેમની પીડા હળવી કરવા પ્રયત્ન કરે છે.
આ ઉપરાંત,સરકારશ્રીની તમામ સંલગ્ન યોજનાઓનો લાભ તેઓને મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરે છે. તેમજ જો કોઈ કાનૂની વળતર મેળવવાના હક્કદાર હોય તો તે દિશામાં પણ માર્ગદર્શન આપવાનો પોલીસ પ્રયાસ કરે છે. સમાજમાં આવી વ્યક્તિઓનુ પૂનઃ:સ્થાપન થાય તેવા પોલીસના પ્રયત્નોથી સકારાત્મક અસર ઉદૃભવી છે.
સિક્કાની બીજી બાજુ પણ એટલીજ સંવેદનશીલ છે. કોઈ ગુનેગાર જેલમાં લાંબી સજા ભોગવતો હોય તો, તેનો પરિવાર કોઈપણ રીતે દોષિત ન હોવા છતાં, આવા પરિવારના સભ્યો પરોક્ષ રીતે સજા ભોગવતાં હોય છે. ઉપરાંત, સામાજિક તિરસ્કારનો પણ ભોગ બનતા હોય છે. જેની તેમના માનસ પર નકારાત્મક અસર થાય છે. તેઓના મનમા ન્યાયિક સંસ્થાઓ પ્રત્યે રોષની ભાવના ઉદ્વભવતી હોય છે. આવા સજા ભોગવતા ગુનેગારોના નિર્દોષ પરિવારજનો પરત્વે સહાનુભૂતિ દાખવવી, એ પણ તંદુરસ્ત સમાજની જવાબદારી બને છે. જો પરિવારમાં બાળકો હોય, તો તેઓને વિશેષ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા બાળકો શિક્ષણ,સ્વાસ્થ્ય અને પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહી જતા હોય છે, તેમજ સમાજથી બહીષ્કૃત થઇ વિખૂટા પડી શકે છે. આવા બાળકો ગુનાહીત પ્રવૃત્તિ તરફ વળી જાય તેવો પણ ભય સ્વભાવિકપણે રહે છે. ડાંગ જિલ્લા પોલીસ હવે આવા કઠિન સંજોગોને લીધે નિરાધાર થયેલ બાળકોની પડખે રહી, તેમનો આધાર બની એક ઉમદા કર્તવ્ય નિભાવવાનો પ્રયાસ “પ્રોજેક્ટ સંવેદના”અંતર્ગત કરી રહી છે.
પ્રોજેક્ટ સંવેદના” અંતર્ગત સ્વસ્થ અને ન્યાયપૂર્ણ સમાજનુ નિર્માણ થાય એવી અભિલાષા સુરત રેન્જના IGP શ્રી વી.ચંદ્રશેખર તેમજ જિલ્લા પોલીસ વડાશ્રી યશપાલ જગાણીયા દ્વારા વ્યક્ત કરવામા આવી છે.









