પરિક્રમા રૂટ જય ગિરનારીના નાદથી ગુંજ્યો… અનેરો ઉત્સાહ સાથે ગિરનાર લીલી પરિક્રમા કરતા ભાવિકો

યાત્રાળુઓ કહે છે કે, કુદરત-પ્રકૃતિનું સાનિધ્યમાં ઘણું શીખવા મળે છે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યમાંથી ભાવિકો ઉમટી પડ્યા છે. યાત્રાળુઓ અનેરો ઉત્સાહ સાથે અને લીલી વનરાઈ વચ્ચે આનંદ-ઉમંગ સાથે પગપાળા ગિરનાર લીલી પરિક્રમા કરી રહ્યા છે. ભાવિકોની સગવડતા માટે જિલ્લા વહીવટી તંત્ર જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતની સંસ્કૃતિની ઉજાગર કરતા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતા અન્નક્ષેત્રો પણ હરી હરના નાદથી ગુંજી ઉઠ્યા છે, ભાવિકો પણ ભાવ સાથે ભોજન-ભજન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે. આમ, ભક્તિમય માહોલ વચ્ચે અને અનેરા ઉત્સાહ સાથે પરિક્રમાના સમગ્ર રૂટ પર જય ગિરનારીનો નાદ ગૂંજી ઉઠ્યો હતો.
ભેસાણ તાલુકાના મોરવાડા ગામના સરપંચ તેમની ટીમ સાથે પરિક્રમામાં હતા. તેમણે કહ્યું કે, પરિક્રમા રૂટ પર તંત્ર ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે, કોઈપણ અગવડતા પડે તેમ નથી. ભાવિકો ઉત્સાહ સાથે પરિક્રમા કરે છે. આ સાથે તેમણે કલેકટરશ્રી અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.
વર્ષો વર્ષ પરિક્રમામાં આવતા મહેસાણા કડી નજીકના મુક્તેશ્વર મહાદેવ મંદિરના સેવક કહે છે કે, જિલ્લા વહીવટી તંત્ર-વન વિભાગ દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ છે. જેમાં લોકોએ પણ તંત્રને સહકાર આપવો જોઈએ. તેમ તેમણે જણાવ્યું હતું.
બનાસકાંઠાના દિયોદર તાલુકાના નવાગામથી પહેલીવાર ગિરનાર લીલી પરિક્રમા માટે પધારેલા નરસુંગભાઈ પટેલ જણાવે છે કે, તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે જીણામાંઝીણી બાબતોની કાળજી લેવામાં આવી છે. આરોગ્ય સેવા માટે ડોક્ટરની ટીમ અન્ય મદદ માટે પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ ખડેપગે છે. તેમણે દરેકને એકવાર પરિક્રમા કરવાના આગ્રહ સાથે જિલ્લા વહીવટી તંત્રને યાત્રાળુઓ માટે કરેલ કામગીરી માટે અભિનંદન આપ્યા હતા. અન્ય એક યુવા યાત્રાળુએ કહ્યુ હતુ કે, કુદરત-પ્રકૃતિનું સાનિધ્યમાં ઘણું શીખવા મળે છે. તેમ જણાવ્યું હતું.
નડિયાદથી છેલ્લા પાંચ વર્ષોથી લીલી પરિક્રમા માટે આવતા મનદીપ ઠાકર પરિક્રમાના અનુભવને સારો ગણાવતા જણાવ્યું છે કે, ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે સમગ્ર રૂટ કચરા પેટીઓ મૂકવામાં આવી છે. ભાવિકોને તબીબી મદદ માટે ડોક્ટરની ટીમ પણ તૈનાત છે. એવા જ ભાવિક તાલાળાથી છેલ્લાં પાંચ વર્ષથી લીલી પરિક્રમામાં આવતા ભદ્રેશ જાની એ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલ વ્યવસ્થાઓને બિરદાવી હતી. ઉપરાંત એક યુવા યાત્રાળુઓ કહ્યુ કે, કુદરત-પ્રકૃતિનું સાનિધ્યમાં ઘણું શીખવા મળે છે. તેમ જણાવ્યું હતું.





