
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સિવિલ હોસ્પિટલ આહવાના નેજા ઠેઠળ પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા-આહવા દ્વારા હારપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના માજી સરપંચ શ્રી ચિંતામણભાઇ સુર્યવંશીની અધ્યક્ષતામા આહવા તાલુકાના કડમાળ ગામે માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ” ની ઉજવણી કરવામા આવી હતી.
આ કાર્યક્રમમા સિવિલ હોસ્પિટલના મનોરોગ ચિકિત્સક ડો.અંકિત જે.રાઠોડ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને માનસિક આરોગ્ય તેમજ અંધશ્રદ્ધા વિશે જાગૃત કરવા માટે ખાસ સમજણ આપવામા આવી હતી. તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થિઓ દ્વારા માનસિક આરોગ્ય જાગૃતિ પર આધારીત એક પથ નાટ્ય રજૂ કરવામા આવ્યો હતો.
પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાના સંસ્થાપક શ્રી પી.પી સ્વામિજી દ્વારા ગ્રામજનોને માનસિક આરોગ્ય વિશેની સમજણ આપવા સાથે સમાજમા ચાલી આવેલી અનેક અંધશ્રધાઓ વિશે જાગૃત રહેવા માટે જણાવાયુ હતુ.
આ કાર્યક્રમમા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ શ્રીમતી મનિષાબેન પંચાલ, સામાજિક કાર્યકર્તા શ્રી આશિષ એમ વળવી, પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-આહવાના કો-ઓર્ડીનેટર શ્રી રતિલાલ સુર્યવંશી, શ્રી દિનેશભાઇ એસ ઠાકરે, ગામના આગેવાન શ્રી ગોવિંદભાઇ એલ પવાર તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.









