
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત સિવિલ હોસ્પિટલની ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે રવિવારે આકસ્મિક મુલાકાત લીધી હતી.
સામાન્ય રીતે રવિવારે જાહેર રજાના દિવસે પ્રશાસનિક અધિકારી, કર્મચારીઓ રજાના મૂડમાં હોય છે ત્યારે, કર્મઠ અને સંવેદનશીલ સ્વભાવના ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ અહીંની ગતિવિધિઓનો તાગ મેળવ્યો હતો.
શ્રી પટેલે સિવિલમાં દાખલ દર્દીઓના ખબર અંતર પૂછી તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
દરમિયાન સિવિલ સત્તાવાળાઓ પાસેથી અહીંની સેવા સુવિધાઓનો તાગ મેળવી, લોહીની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે, આહવાની સેવાભાવી સંસ્થા ‘જનસેવા’ ના સ્વયંસેવકો સાથે પરામર્શ કરી, વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે, પીપલ્યામાળ ગામના ૫૫ વર્ષીય દર્દી શ્રી જીવુભાઇ પોસલ્યાભાઈ પવાર કે જેમને બ્લડની તાત્કાલિક આવશ્યકતા જણાતા, કલેકટરશ્રીએ ચાર ટકા જ બ્લડ ધરાવતા આ દર્દી માટે ‘જનસેવા’ સાથે પરામર્શ કરી વ્યવસ્થા હાથ ધરી હતી.
કલેકટર શ્રી મહેશ પટેલે સિવિલના જુદા જુદા વોર્ડની જાત મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે દર્દીઓ માટેના ભોજન સહિત અહીંની સ્વચ્છતા બાબતે પણ લક્ષ કેન્દ્રિત કર્યું હતું.
કલેકટરશ્રીની આ મુલાકાત વેળા તેમની સાથે મહેસુલી અધિકારીઓ સહિત સુવિલ સત્તાવાળાઓ ઉપસ્થિત રહ્યા હતા.









