
ગરુડેશ્વરના ગડોદ ગામે પ્રસૂતાને લઈ જતી ૧૦૮ એમ્બ્યુલન્સ કોઝવે ઉપર ફસાઈ, ટ્રેકટરની મદદથી ગ્રામજનોએ એમ્બ્યુલન્સ કાઢી
એસ્પિરેશનલ જાહેર કરાયેલ નર્મદા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં લોકોને પારાવાર મુશ્કેલી
જુનેદ ખત્રી > રાજપીપળા
નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે અહીંયા આરોગ્ય, શિક્ષણ, સહિતના પેરામીટર સુધારવા માટે સરકાર કરોડો રૂપિયા ઠાલવે છે પરંતુ આદિવાસી બહુલ નર્મદા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં વિકાસ હજી પોહચતો નથી તેમ લાગી રહ્યું છે
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગડોદ ગામે પ્રસૂતાને લઈ જતી ૧૦૮ એમ્બ્યુલન્સ કોઝવે ઉપર ફસાઈ હતી ત્યારબાદ ગ્રામજનોએ મહા મુસીબતે ટ્રેકટર વડે ફસાયેલી ૧૦૮ એમ્બ્યુલન્સ ને કાઢવામાં આવી હતી આશરે અડધો કલાક બાદ અન્ય એમ્બ્યુલન્સ બોલાવી પ્રસૂતાને હોસ્પિટલ ખસેડાઇ હતી જોકે પ્રસૂતિ સમયની પીડાના સમયે મહિલાની તબિયત બગડે ત્યારે કોણ જવાબદાર ? તેવા ગ્રામજનોમાં પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ખખડેલા કૉઝવેથી ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે ચોમાસામાં નદીઓ માં પાણી આવે ત્યારે અંતરિયાળ ગામો સંપર્ક વિહોણા પણ બને છે કોઝવેની જગ્યાએ નાળુ બનાવવા ગ્રામજનો વર્ષોથી માંગ કરી રહ્યા છે પરંતુ આજદિન સુધી તેઓની માંગ પૂરી થઈ નથી
સમગ્ર મામલે ગરુડેશ્વર તા. પં. વિરોધપક્ષના નેતા દક્ષા બેન તડવીએ ટેલીફોનીક વાત કરતા જણાવ્યું હતું કે આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ હાલત થી લોકો ને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ખરાબ રસ્તાઓ ના કારણે આદિવાસી લોકોના સ્વાસ્થય ને પણ ગંભીર અસર થાય છે અનેક રજૂઆતો બાદ પણ કોઝવેં દુરસ્ત નહિ કરતા રોષ જોવા મળી રહ્યો છે