
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’ થીમ અંતર્ગત કિશોરી મેળો યોજાયો
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરી મેળા થકી કિશોરીઓના સશક્તિકરણ અને સુરક્ષાનો પ્રયાસ
વિવિધ વિભાગોના સંકલનથી મિલેટ્સ વાનગી સ્ટોલ, પોસ્ટ યોજના સહિત કિશોરીઓને સરકારી યોજનાઓથી માહિતગાર કરાઈ

શિક્ષણ, આરોગ્ય, રોજગાર, બચત, સુરક્ષા, કાનૂની સહાય સહિતના પાસાઓની સમજ અપાઈ
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ દ્વારા પૂર્ણા યોજના તથા બેટી બચાવો ,બેટી પઢાવો યોજના અંતર્ગત સશક્ત દીકરી, સૂપોષિત ગુજરાત થીમ આધારિત કિશોરી મેળો જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બાવન પાટીદાર સમાજઘર , લુણાવાડા ખાતે યોજાયો. આ મેળામાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, બચત, સુરક્ષા, કાનૂની સહાય સહિતના પાસાઓની સમજ અપાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ એ જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કુપોષણ નાથવા વિવિધ યોજનાઓ અમલમાં છે . બાળકીના જન્મ બાદ પહેલા રૂદનથી લઈને વયસ્ક થાય ત્યાર સુધીનું જીવન સંઘર્ષપૂર્ણ હોય છે. મહિલાઓલક્ષી યોજનાઓ બહેનોને સશક્ત આત્મનિર્ભર બનાવવાનું માધ્યમ છે. મહિલાહિતના કાયદાઓથી લઈને કિશોરીઓમાં આવતા શારીરિક બદલાવ, સ્વરક્ષણની સ્કીલ, જાણકારી હોવી અનિવાર્ય છે. સ્વયં જાગૃત્ત થઈને આજની નારીઓ અબળા નહીં, પણ સબળા બની છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, કિશોરીઓને પોષણ, આરોગ્ય અને વિવિધ જીવન કૌશલ્ય વિશે શિક્ષિત કરવા માટે તેની સ્વ-યોગ્યતા વધારવા અને કિશોરીઓને સશક્ત બનાવવા કિશોરી મેળો યોજાયો છે. કિશોરીઓને ફક્ત પૂર્ણા શક્તિના પેકેટ આપવાથી જ પૂર્ણા દિવસ પૂર્ણ નથી થતો, પરંતુ આરોગ્ય અને પોષણ શિક્ષણ પણ સાથે આપવું આવશ્યક છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સૂપોષિત કિશોરીઓને ઈનામ વિતરણ તથા વ્હાલી દીકરીના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિવિધ સ્ટોલ ની મુલાકાત લીધી હતી.









