જંબુસર આંગડિયા પેઢી ₹11.25 લાખની લૂંટનો ક્રાઈમ પેટ્રોલ જેવો કિસ્સો, મિત્રનું લાખોનું દેવું ઉતારવા હિસ્ટ્રીશટર સાળાને સુરતથી બોલાવી ચલાવાઈ લૂંટ
ભરૂચના કાસદ – થામ નહેર રોડ પર લૂંટારુંનો LCB PSI અને પોલીસ પર પથ્થરમારો સાથે છરાથી હુમલાનો પ્રયાસ
– જંબુસર – વડોદરા વચ્ચે બસમાં અપડાઉન કરતા આંગડિયા કર્મીની ત્રણ વખત રેકી એક વખત લૂંટનો પ્લાન ફેઈલ, બીજી વખત પોલીસે કલાકોમાં જ દબોચ્યા
– રોકડા સવા 3 લાખ અને 15 તોલા સોના સહિત લૂંટના તમામ માલ સાથે 3 ની ધરપકડ
જંબુસરના એચ. રમેશચંદ્ર આંગડિયા પેઢીના કર્મચારીને છરો બતાવી ₹11.25 લાખની ચલાવેલી લૂંટમાં ભરૂચ LCB ની ટીમે જીવના જોખમે ત્રણેય લૂંટારુને તમામ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકમાં જ હિરાસતમાં લઈ લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પ્રેસ કોંફરન્સ યોજી ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જેવી લૂંટની ઘટનાની તમામ વિગતો આપતા જણાવ્યુ હતુ કે ભરૂચના સરનાર ગામના સાહિલ જોસેફ ઉર્ફે યુસુફ ઇસ્માઇલ પટેલને લાખોનું દેવું થઈ જતા તેમાંથી બહાર નીકળવા ગામમાં જ રહેતા મિત્ર યામીન અલ્તાફ ગુલામ પટેલને વાત કરી હતી.યામીને વડોદરાથી આંગડિયા પેઢીનો કર્મચારી બસમાં જંબુસર આવતો હોવાની માહિતી આપી હતી. બંને મિત્રોએ મળી આંગડિયા કર્મીની ત્રણ વખત રેકી કરી હતી.એક સપ્તાહ પેહલા જ જંબુસરથી વડોદરા કીર્તિ સ્તમ્ભ સુધી બંનેએ આંગડિયા કર્મીનો પીછો કર્યો હતો. પણ વધુ ભીડ ભાડ હોવાથી લૂંટને અંજામ આપી શકાયો ન હતો.જે બાદ સુરતના અમરોલી થી યામીને પોતાના હિસ્ટ્રીશીટર સાળો મુસ્તુફા ઉફે હજામ ઉર્ફે મસ્તાક સલીમ શેખને બોલાવ્યો હતો. પ્લાન મુજબ ગુરુવારે ત્રણેય લૂંટને અંજામ આપવા પલ્સર બાઈક પર જંબુસર પોહચ્યા હતા. આંગડિયા કર્મી મેઇન બજારની ગલીમાં જતા જ બે લૂંટારું છરા સાથે પાછળ જઈ બેગ આપી દે નહિ તો તને પતાવી દઈશું કહી, હુમલો કરી ₹11.25 લાખની મત્તા ભરેલી બેગ લૂંટી ફરાર થઇ ગયા હતા.લૂંટની ઘટનાના મેસેજ મળતા જ ભરૂચ જિલ્લા પોલીસ એલર્ટ થઈ SP મયુર ચાવડાએ LCB, SOG, બી, સી ડિવિઝન, તાલુકા, દહેજ, આમોદ અને જંબુસર પોલીસની ટીમો બનાવી નાકાબંધી, પેટ્રોલિંગ શરૂ કરવી દીધું હતું. LCB PSI પી.એમ.વાળા અને આર.કે. ટોરાણીની ટીમો સર્ચમાં હતી ત્યારે લૂંટારું ભરૂચ તાલુકાના કાસદ – થામ નહેર રોડ પર હોવાની બાતમી મળતા ટીમો ત્યાં પોહચી હતી. પોલીસને જોઈ આરોપીઓ બાઇક છોડી ખેતરોમાં સંતાઈ ગયા હતા.દરમિયાન પી.એસ.આઈ. અને પોલીસ જવાનો પર લૂંટારુઓએ પથ્થરમારો અને છરા વડે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્રણેયને એલ.સી. બી. એ પકડી પાડી લુટેલ તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો. અને જંબુસર પોલીસ મથકે લૂંટનો ગુનો જ્યારે ભરૂચ તાલુકા પોલીસ મથકે પોલીસ પર હુમલાનો ગુનો અલગથી દાખલ કરાયો છે. રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ