
જામનગરમાં ‘નારી વંદન ઉત્સવ સાથે બેટી મહત્વ
કાર્યક્રમ‘ અંતર્ગત ‘બેટી બચાવો- બેટી પઢાવો દિવસ‘ ની ઉજવણી કરવામાં આવી
કાર્યક્રમમાં ૧૦૦ જેટલા આશાવર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર્તાઓએ ભાગ લીધો
લાભાર્થીઓને ‘વહાલી દીકરી યોજના‘ ના હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું
જામનગર ( નયના દવે)
, મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા ‘નારી વંદન ઉત્સવ કાર્યક્રમ’ ની ઉજવણી તા.૦૧ ઓગસ્ટથી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ અલગ– અલગ થીમ પર ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે ગત તા.૦૨ ઓગસ્ટના રોજ ‘બેટી બચાવો- બેટી પઢાવો દિવસ‘ ની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.એન. કન્નરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ, ‘વહાલી દીકરી યોજના’ ના મંજુર થયેલા લાભાર્થીઓને હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ‘બેટી બચાવો– બેટી પઢાવો’ થીમ પર આધારિત નાટક રજુ કર્યા બાદ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા પી.પી.ટી. ના માધ્યમથી P.C. &P.N.D.T. એક્ટ વિષે ઉપસ્થિત લાભાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. તેમજ, ૧૮૧ મહિલા અભયમ ટીમ દ્વારા બહેનોને માહિતી આપ્યા બાદ તેમના મોબાઈલ ફોનમાં અભયમ એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી સોનલબેન વર્ણાગર, C.D.P.O. શ્રી અંજનાબેન ઠુમ્મર, C.D.P.O. શ્રી ઉષાબેન રાવલ તેમજ ૧૦૦ જેટલા આશાવર્કર બહેનો, આંગણવાડી બહેનો તેમજ ૩૦ જેટલી કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.

આગામી દિવસોમાં, મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાએ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન, મહિલા માટે સ્વ-રોજગાર/લોન મેળો, શ્રમજીવી મહિલાઓના અધિકારો અને કલ્યાણકારી યોજનાઓની જાણકારી અંગે જાગૃતિ સેમિનાર તેમજ મહિલા સ્વાવલંબન દિવસની થીમ પર આધારિત નાટકનું આયોજન કરવામાં આવેલ છે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ સી. ગોહિલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
@_______________
BGB
JOURNALIST
JAMNAGAR
8758659878









