40 લાખની લાંચ આપી પરીક્ષા આપ્યા વિના લોકો પોલીસમાં નોકરીએ લાગી ગયા : યુવરાજસિંહ જાડેજા

યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર અને પોલીસ ભરતીની પ્રક્રિયા પર સણસણતો આક્ષેપ મૂકતાં જણાવ્યું હતું કે 40 લાખ રૂપિયાની લાંચ આપીને એક યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર જ સીધો જ કરાઈ પોલીસ એકેડેમીમાં પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે. યુવરાજસિંહે આ અંગેના પુરાવા રજૂ કરતાં જણાવ્યું હતું કે આ યુવાનનું સફળ થયેલા ઉમેદવારોની કોઈપણ યાદીમાં નામ નથી. 2021માં થયેલી એએસઆઇ અને પીએસઆઇની ભરતી પરીક્ષામાં 1,382 પૈકી 10 લોકો આ રીતે ભરતી થઈ ગયા છે. વડોદરાથી સફળ થયેલા ઉમેદવારોને અપાયેલા નિમણૂકપત્રમાં પણ મયૂરનું નામ નથી.
યુવરાજે માગ કરી છે કે આ કિસ્સામાં સંપૂર્ણ તપાસ કરવાની સાથે આ ભરતી જે બોર્ડે કરી તેના તમામ સભ્યોને બરખાસ્ત કરવા જોઇએ. સંદિગ્ધ મયૂરે ભરતીમાં જોડાયા બાદ પગાર પણ મેળવ્યો છે, તેની રિકવરી કરવા ઉપરાંત તેને દંડ પણ થવો જોઇએ. આ સિવાય 2014 પછી થયેલી તમામ ભરતીઓની પણ આ જ રાહે ચકાસણી થવી જોઇએ.
યુવરાજે જે નિમણૂકપત્ર જાહેર કર્યો છે એમાં રાજ્યના પોલીસવડાની કચેરીમાંથી મયૂરને પોલીસ સબ- ઇન્સ્પેક્ટર તરીકે જે નિમણૂક મળી એની નકલ છે. આમ, પોલીસવડાની કચેરીમાંથી પણ કોઈ અધિકારી કે કર્મચારીની આ છેતરપિંડીમાં સંડોવણી હોવાનો સંદેહ યુવરાજે વ્યક્ત કર્યો છે.
યુવરાજે કહ્યું હતું કે કરાઈ એકેડેમીમાં સફળ થયેલા ઉમેદવારોનું બાયોમેટ્રિક્સ સાથે રજિસ્ટ્રેશન અને પ્રવેશ થવો જોઇએ. જો કોઈ સંજોગોમાં આતંકવાદી કે દુશ્મન દેશનો જાસૂસ આ રીતે એકેડેમીમાં નોકરી મેળવી લે તો રાજ્યની અને દેશની સુરક્ષા પર મોટું જોખમ આવી શકે. ગૃહ વિભાગનાં સૂત્રો જણાવે છે કે આ મુદ્દો ખૂબ આઘાતજનક છે. આ બાબતની તપાસ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયને સોંપાઈ છે. તેઓ આ બેચના તમામ ઉમેદવારોની સંપૂર્ણ ખાતરી કરશે અને સાથોસાથ મયૂર કેવી રીતે ભરતી મેળવી ગયો અને તેને કોણે મદદગારી કરી એની પણ તપાસ થશે.










