
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

રાજકોટમાં ગેમઝોનમાં બનેલ ગોઝારી દુર્ઘટના બાદ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે નોટિફાઈડ એરીયા કચેરીનાં અધિકારીઓ દ્વારા વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળે સરપ્રાઈઝ મુલાકાત લઈ ચેકીંગ હાથ ધર્યું…

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે બારે માસ પ્રવાસીઓનો કલરવ જોવા મળી રહે છે.ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓના મનોરંજન માટે અસંખ્ય એડવેન્ચર એક્ટિવિટીઓ ચાલી રહી છે. જેમાં પ્રવાસીઓ દિલ ખોલી આસ્વાદ માણી રહ્યા છે.થોડા સમય પૂર્વે તક્ષશિલા કાંડ,બાદમાં મોરબીની બ્રિજ ઘટના અને વડોદરાની હરણી લેક ઘટના સૌ કોઈનાં મન હચમચાવી ચુકી હતી.તેવામાં ગતરોજ રાજકોટ ખાતે ગેમઝોનમાં આગ લાગતા 27થી વધુ વ્યક્તિઓ આગમાં ભડતુ થઈ જવા પામ્યા હતા.જેના પગલે આખુ ગુજરાત રાજ્ય શોકમગ્ન બન્યુ છે.
રાજકોટમાં બનેલ દુર્ઘટનાનાં પગલે રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ નોટિફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર મેહુલભાઈ ભરવાડ તથા નાયબ મામલતદાર પી.વી.પરમાર દ્વારા પેરાગ્લાયડીંગ,બોટિંગ,એડવેન્ચર પાર્ક સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળોએ સરપ્રાઈઝ મુલાકાત ગોઠવી ચેકીંગ હાથ ધર્યું હતુ.સાપુતારા ચીફ ઓફિસર મેહુલ ભરવાડ તથા નાયબ મામલતદાર પી.વી.પરમાર દ્વારા સાપુતારા ખાતે ચાલતી એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળે ઈક્યુપમેન્ટ સહિત વિવિધ સાધનોની ચેકીંગ હાથ ધરી સંચાલકોને નીતિ નિયમો મુજબ સરકારની ગાઈડલાઈનની સુચનાઓનું પાલન કરવા કડક સૂચનાઓ આપી હતી.સાથે પ્રવાસીઓની સેફટી બાબતે કોઈ કમી ધ્યાનમાં આવશે તો તેઓ સામે કડક પગલા ભરવાની ચીમકી આપી હતી.આ બાબતે સાપુતારા નોટિફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર મેહુલભાઈ ભરવાડે જણાવ્યુ હતુ કે સાપુતારા ખાતે કાર્યરત,બોટિંગ,એડવેન્ચર પાર્ક,પેરાગ્લાયડીંગ સહિત એડવેન્ચર એક્ટિવિટીઓનાં સ્થળે વહીવટી તંત્રની ટિમ દ્વારા નિયત સમય મુજબ મુલાકાત લઈ ચેકીંગ હાથ ધરવામાં આવે છે.ગિરિમથક સાપુતારા ખાતે તંત્રની ટીમ દ્વારા રાબેતા મુજબ દરેક એક્ટિવિટીનાં સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવે છે.અને પ્રવાસીઓની સુરક્ષા બાબતે સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવે છે.સાપુતારા ખાતે વહીવટી તંત્રની કાળજીનાં પગલે અગાઉ પણ કોઈ ઘટના બની નથી.અને આવી ગોઝારી દુર્ઘટના ન બને તે માટે તંત્ર કડકપણે કાળજી રાખી રહ્યુ છે.વધુમાં સાપુતારા ખાતે કોઈ પણ ઈજારદાર નિષ્કાળજી બતાવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે..









