
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપતા કલેકટર શ્રી મહેશ પટેલ
ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે જિલ્લામાં પ્રિ-મોન્સૂન પ્રિપરેશન અને મોન્સુન દરમિયાન હાથ ધરવાની કાર્યવાહીથી સંબંધિત વિભાગોના અધિકારીઓને એલર્ટ મોડમાં રહેવાની સૂચના આપી હતી.

પ્રિ-મોન્સૂન અંગેની આપાતકાલિન બેઠક દરમિયાન, સંભવિત વરસાદ કે વાવાઝોડાની સંભવિત સ્થિતિ, નુકસાન વિગેરે સામે હાથ ધરવાની પુર્વ તૈયારીઓની કલેકટરશ્રીએ વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.
આ બેઠકમાં તમામ વિભાગોની ડિઝાસ્ટરને લગતી બાબતો અદ્યતન કરવા, જિલ્લા કક્ષાનો કન્ટ્રોલ રૂમ ૨૪/૭ કાર્યરત રાખવા, કચેરીઓમાં ઉપલબ્ધ સાધનો વર્કિંગ કન્ડીશનમા રાખવા, કલેક્ટરશ્રીની પુર્વ મંજુરી વિના હેડ ક્વાર્ટર નહિ છોડવા, માનવ અને પશુ મૃત્યુના કેશમાં તાત્કાલિક સહાયની કાર્યવાહી હાથ ધરવા, વીજ પોલ, નડતરરૂપ ઝાડ દૂર કરવા, તરવૈયાની યાદી અપડેટ કરવા, ગટરની સાફ, સફાઈ તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, ડેમના નિચાણવાળા ગામોની યાદી તૈયાર, નદિ નાળા ઉપર સાઇન બોર્ડ, નબળા પુલોની મરામત, જિલ્લાના ભયજનક સ્થળોએ હોમગાર્ડની તૈનાતી, ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં સ્થળાંતર કરવાની જરૂર પડે તો આશ્રય સ્થાનોની ઉપલબ્ધતા, અનાજનો જત્થો, આરોગ્ય સેવા, રાહત બચાવ ટુકડીઓની યાદી-સંપર્ક નંબર, તેમજ તલાટી-ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ સ્થાનિક આગેવાનો-સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક યોજી જરૂરી તૈયારી કરી લેવા અંગેના મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે તમામ વિભાગના અધિકારીઓને પોતાના વિભાગના કર્મચારીઓ સાથે આંતરિક બેઠક યોજી, યોગ્ય સંકલન કરી, આડોસ પાડોશ અને હેઠવાસના જિલ્લા સહિત મહારાષ્ટ્ર રાજ્યના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં રહેવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી. બી. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી શિવાજી તબિયાર, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા સહિતના જિલ્લા અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.









