GUJARATNAVSARI

નવસારી જિલ્લામાં “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ“ ની ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાં તા.૧૬ મી મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિત્તે મનપુર વાંસદા આઇ.ટી.આઇ. ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેન્દ્ર રંગુનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મયંક ચૌધરી, જિલ્લા આર.સી.એચ.અધિકારી ડૉ.રાજેશ પટેલ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ભાવેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફીસરશ્રી, આઇ.ટી.આઇ.ના પ્રિન્સીપાલ, મેડિકલ ઓફીસરશ્રી, આરોગ્ય કર્મચારીઓ, અન્ય સ્ટાફ તથા મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ  અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. ૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ૨૦૨૪ ની થીમ “ ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ” ( “Connect with community control Dengue”) વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતાં. ડેન્ગ્યુ નિયંત્રણ અંગેની આગામી વ્યુહરચના વિશે અને ડેન્ગ્યુ- ચિકુનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટેના IVM અંતર્ગત વિવિધ પગલાંઓ વિશે ઓડિયો-વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું  હતું. 

આ પ્રસંગે મેલેરિયા/ડેન્ગ્યુના મચ્છર, મચ્છરના પોરાં તથા પોરાભક્ષક ગપ્પી માછલીઓનું લાઇવ ડેમોંસ્ટ્રેશન પણ કરવામાં આવ્યુ હતું. જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ આરોગ્ય કેન્દ્રો દ્વારા ૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ૨૦૨૪ નિમિત્તે જનજાગ્રૃતિ શિબિરો, રેલી, નિદર્શંન, પત્રિકા વિતરણ, પોસ્ટર ડિસ્પ્લે તથા વોટસ એપ, ટ્વીટર, વગેરે માધ્યમથી IEC-SBCC અંતર્ગત પ્રચાર-પ્રસારના વિવિધ કાર્યક્ર્મો હાથ ધરવામાં આવ્યાં છે.

ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો કરવા માટે તમામ કક્ષાએથી સાતત્યસભર કામગીરીની સાથે-સાથે જનસમુદાયના સહયોગની ખાસ જરૂર છે. મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘરની અંદર-બહાર  ભરાયેલ ચોખ્ખા પાણીના પાત્રો દર અઠવાડિયે ઘસીને સાફ કરવામાં આવે, પાણીનાં ભરાવા કે બંધિયાર પાણીનો જનસમુદાય દ્વારા સ્થાનિક પ્રશાસનના સહયોગથી સમયસર નિકાલ કરવામાં આવે તથા પાણી ભરાય તેવા તમામ પાત્રોની નિયમિત સાફસફાઇ થાય, તે ખૂબ જરૂરી છે, અઠવાડિયામાં દર રવિવારે ડ્રાઇ ડે કામગીરી થાઈ તે માટે પણ જનસમુદાયનો સહયોગ મળે તે ખુબ જ જરૂરી છે જેથી ડેન્ગ્યુ નિયંત્રણમાં સફળતા પ્રાપ્ત થઇ શકે તથા લોકોને ખાસ સંદેશ મળે કે દર રવિવારે સવારે ૧૦ વાગ્યે ૧૦ મિનિટનો સમય પોતાના માટે આપી ઘરની અંદર અને ઘરની આસપાસના ૧૦ મીટરમાં તમામ તમામ પાત્રો કે પાણીના વાસણોની સફાઈ કરો તથા નકામી/બિનજરૂરી ચીજ-વસ્તુઓનો નિકાલ કરો, અને આ સંદેશો વધુ ૧૦ વ્યકિતઓને જણાવવા સુચનો કરવામાં આવ્યા છે, જેથી વાહક જનિત રોગોને નિયંત્રિત કરી શકાય. વાહકજનિત રોગોના નિયંત્રણ માટે અલાયદી વેકટર કંટ્રોલ ટીમ પણ મોનસુન- પોસ્ટ મોનસુન કામગીરી માટે કાર્યરત કરવામાં આવે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button