
નર્મદા પરિક્રમા કરવા બનાવેલ હંગામી પુલ પાણીના પ્રવાહમાં ધોવાયો, વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા જિલ્લા કલેકટરે સ્થળ નિરીક્ષણ કર્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
ચૈત્ર માસની પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા નું ધાર્મિક મહત્વ રહેલું છે જેથી ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત ભારતભરમાંથી ચૈત્ર મહિનામાં પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે હાલ પરિક્રમા કરવા માટે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવી રહ્યા હતા ત્યારે ઈન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે ૩૦ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા શહેરાવ ઘાટ ખાતે બનાવેલો કાચો બ્રિજ પાણીમાં ધોવાઈને ગરકાવ થયો છે. તે સંદર્ભમાં પરિક્રમા પર ટેમ્પરરી બ્રેક લગાવવામાં આવી છે. વૈકલ્પિક આયોજન માટે સાધુ સંતો અને અગ્રણીઓ દ્વારા સમૂહ ચિંતન-મંથન કરવામાં આવ્યું હતું અને તંત્રને રજુઆત કરાઇ હતી
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા સાધુ સંતો, અગ્રણીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ અંગે સમીક્ષા કરી હતી અને સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું અને વચગાળાનો રસ્તો કાઢવા માટે વૈકલ્પિક રસ્તો શોધવા અગાઉ તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ રામપુરા ઘાટ, રણછોડજી મંદિર, જુના રામપુરા, માંગરોળ, ગુવાર, શહેરાવ, સોઢલીયા-પાટી, જિઓર, રૂંઢ ચોકડી-પોઈચા, નિલકંઠ હોટલ થઈ પોઈચા બ્રિજ, દરિયાપુરા, ચાણોદ, કરનાળી, તિલકવાડા થઈ રેંગણથી વાસણ, અકતેશ્વર બ્રિજ પાર કરી હાઈવે ઉપરથી પસાર થઈ ભાણદ્રા ચોકડીથી સુરજવડ એટલે કે સમારિયા પાટીયા પાસેથી ગંભીરપુરા તરફના પરિક્રમા પથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા ખાતે શ્રદ્ધાળુઓ વાહન-પગે ચાલીને પરિક્રમા કરવાનો સૂચિત પ્લાન બનાવવામાં આવ્યો છે. પરિક્રમાનો રૂટ નક્કી કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો. તેમાં લોકોએ પણ સહકાર આપી તે રસ્તા પર પરિક્રમા કરવા હાલપુરતો અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે વૈકલ્પિક મુજબ પરિક્રમા કરવાથી શ્રધ્ધાળુઓને ૮૬ કિમી નો ફેરો થાય તેમ છે ત્યારે સાધુ સંતોની માંગ છે કે તંત્ર વધુ નાવડીઓની વ્યવસ્થા કરી પરિક્રમા શરૂ કરાવે
જોકે અંતિમ તબક્કાની પરિક્રમાને માત્ર એક સપ્તાહ બાકી છે જે અંગે વિચારણા કરવામાં આવી અને શનિ – રવિવારના ક્રાઉડને કઈ રીતે વ્યવસ્થાપન કરવું તે અંગે પણ પરામર્શ કર્યો હતો. નદી કિનારા પર જેટી બનાવવા માટે અને નાવડી સંચાલન અંગે NDRF ટીમ સાથે પણ અભિપ્રાય અને સૂચનો મેળવ્યા હતા. પરિક્રમા ક્યારથી શરૂ થશે તે નિર્ણય હજી અકબંધ છે