પાલનપુર ખાતે લોકસભા સામાન્ય ચુંટણી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (MCMC) સેન્ટરની મુલાકાત લેતા ચૂંટણી નિરીક્ષકશ્રીઓ

21 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
લોકસભા ચૂંટણી અનુલક્ષીને જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે MCMC સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આદર્શ આચાર સંહિતા અમલી હોઈ MCMC સેન્ટરમાં રાઉન્ડ ધ કલોક મીડિયા મોનિટરીંગની કામગીરી ચાલી રહી છે. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમો ઉપર ચૂંટણીલક્ષી થતા પ્રસાર-પ્રચારની તમામ બાબતોનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.ભારતના ચૂંટણીપંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વરશ્રી જફર મલિક અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રીઓ શ્રી અમીતકુમાર સિંઘ અને શ્રી રમેશકુમાર દ્વિવેદીએ રવિવારના રોજ જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (MCMC) અને મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી. MCMC ના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપભાઈ પરમારે ચૂંટણી આચાર સંહિતાના અમલીકરણ બાદ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા બનાસકાંઠા મતદાર વિસ્તારને લગતા આચારસંહિતા ભંગના સમાચાર, જાહેરાત અને પેઇડ ન્યુઝ અંગેના રજીસ્ટર અને રાઉન્ડ ધ કલોક કામગીરીથી ચૂંટણી નીરિક્ષકશ્રીઓને અવગત કર્યા હતા. ચૂંટણી નિરિક્ષકશ્રીઓએ MCMC કમિટિની કામગીરીનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું.ચૂંટણી નીરિક્ષકશ્રીઓની મુલાકાત પ્રસંગે ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસરશ્રી એમ.જે.દવે, જિલ્લા માહિતી કચેરીનો તમામ સ્ટાફ અને MCMC કમિટિમાં કામગીરી કરતા શિક્ષકમિત્રોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.(માહિતી બ્યુરો)