વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ઢોલ્યાઉંબર ગામ નજીકનાં ગરૂડીયા ખાતે આવેલ કૂવામાં મહિલાએ પ્રથમ બન્ને બાળકોને ફેંકી દઈ પોતે પણ કુદી પડતા સ્થળ પર બન્ને બાળકોનાં મોત નિપજ્યા, જ્યારે મહિલા બચી ગઈ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા વર્ષ અગાઉ સુનિતાબેનનાં લગ્ન જયેશભાઈ અશોકભાઈ ઉધાર. રે.હાલ ઢોલ્યાઉંબર તા.સુબિર મૂળ.રે.ગોંડલવિહીર પાટીલ ફળિયુ તા.આહવા ડાંગનાઓ જોડે થયા હતા.અને તેઓનાં દાંપત્યજીવનમાં બે બાળકો પણ હતા.તેવામાં પત્ની સુનિતાબેન અને પતિ જયેશભાઈ વચ્ચે બાળકોને લઈને તકરાર ચાલતો હતો.જેનું મનદુઃખ રાખી પત્ની સુનિતાબેન ઉધાર.ઉ.32 જેઓ એક ચાર માસનું બાળક અને બીજુ સાડા ચાર વર્ષનાં બાળકને લઈને આજરોજ ઘરમાંથી નીકળી જઈ ઢોલ્યાઉંબર ગામ નજીક ગરૂડીયા ગામની સીમમાં હરેશભાઇ પાગુભાઈ રાઉતનાં ખેતરમાં આવેલ કૂવામાં પ્રથમ બન્ને માસુમ બાળકોને ફેંકી દઈ બાદમાં પોતે પણ આપઘાત કરવા માટે કુદી પડી હતી.અહી આ ઊંડો કૂવો પાણીથી ભરેલ હોય જેથી બન્ને માસુમ બાળકોનાં મોત નિપજ્યા હતા.તેમજ અહી માતા સુનિતાબેને પણ કૂવામાં કુદી પડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે અહી સુનિતાબેન બચી ગઈ હતી.આ બનાવની જાણ ગ્રામજનોને થતા સ્થળ પર દોડી ગયા હતા.બાદમાં સુબિર પોલીસ મથકે જાણ કરતા સુબિર પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.જી.ચૌધરી સહિત પોલીસ કર્મીઓની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.આ બનાવમાં એક ચાર માસનું બાળક તથા સાડા ચાર વર્ષનું બાળક મોતને ભેટયુ હતુ.આ બનાવ બાબતે પતિ જયેશભાઈ અશોકભાઈ ઉધારે બન્ને બાળકોનાં મોત માટે જવાબદાર પત્ની સુનીતાબેન ઉધાર સામે ફરીયાદ નોંધાવતા સુબિર પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવનાં પગલે સુબિર પંથકમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.અહી નજીવા કારણને લઈને સગી જનેતાએ જ પોતાના માસુમ બાળકોનો જીવ લઈ લેતા સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે..









