વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલીદોડ-ધુડા-પિપલાઈદેવી રોડ ઉપર આવેલ ધુડા ગામનો બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી ૧ વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરવાના મળેલા અભિપ્રાય અનુસાર, આ બ્રિજ વધુ ૬૦ દિવસ માટે બંધ કરાયો છે.
ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા, બ્રિજ ક્રિટીકલ કન્ડીશનમા જણાતા આ બ્રિજ દસ ટન થી વધુના ભારે વાહનો માટે બંધ કરવામા આવ્યો છે. આ અંગેના જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, હાલ સદર બ્રિજની જગ્યાએ નવા સ્ટ્રક્ચરનુ કામ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.
ત્યારે ભારે વાહનો માટે બંધ કરાયેલ આ બ્રિજને કારણે ધુડા-હિંદળા થઈ પિપલાઈદેવી રોડનો (કુલ ૫.૫૦ કિ.મી) વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા વાહન ચાલકોને જણાવાયુ છે.
ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મહેશ પટેલ દ્વારા જારી કરાયેલા આ જાહેરનામાનો ભંગ કરનારને, ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ નાયબ પોલીસ અધિક્ષકથી હેડ કોન્સ્ટેબલ સુધીના પોલીસ અધિકારી, કર્મચારીઓ દ્વારા દંડ અને સજા કરવામા આવશે.
આ જાહેરનામુ તા.૨ એપ્રિલથી ૩૧ મે ૨૦૨૪ સુધી અમલમા રહેશે.