નર્મદા જિલ્લાના માન્ય રાજકીય પક્ષો સાથે જિલ્લા કલેકટરે બેઠક કરી આચાર સંહિતા સહિત મુદ્દે ચર્ચા કરી

નર્મદા જિલ્લાના માન્ય રાજકીય પક્ષો સાથે જિલ્લા કલેકટરે બેઠક કરી આચાર સંહિતા સહિત મુદ્દે ચર્ચા કરી
95 લાખની ખર્ચ મર્યાદા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાઈ તેના હિસાબો આર.ઓ. અને ખર્ચના નોડલ અધિકારી સમક્ષ નિયમિત પણે રજૂ કરવાના રહેશે
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 નો કાર્યક્રમ જાહેર થયા બાદ નર્મદા જિલ્લામાં સમગ્ર પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે થાય તે માટે વિવિધ રાજકીય પક્ષો સાથે કલેક્ટર શ્વેતા તેવતિયાએ બેઠક યોજી વિવિધ મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં તેવતિયાએ જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી માટે ખર્ચની મર્યાદા માટે રૂ. ૯૫ લાખના ખર્ચની ટોચમર્યાદા છે. રાજકીય પક્ષ / ઉમેદવારે જે તે ચૂંટણી અધિકારી દ્વારા માન્ય કરેલ ખર્ચના ભાવો જ ધ્યાને લેવાનાં રહેશે. ઉમેદવાર ખર્ચ માટે અલગ એજન્ટ રાખી શકે છે. સંભવિત ઉમેદવારને નોમિનેશન ભરવાના ઓછામાં ઓછા એક દિવસ પહેલાં ચૂંટણી ખર્ચના હેતુ માટે બેંકમાં એક અલગ ખાતુ ઉમેદવારોએ ખોલાવવાનું રહેશે.

આ બેઠકમાં એવી પણ વિગતો રજૂ થઈ હતી કે, સાહિત્ય છપાવવા માટે કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત કરાવવા માટે તેનું પ્રિ-સર્ટીફિકેશન એમસીએમસી કમિટી પાસે સર્ટીફાઇડ કરાવવાનું છે. જે જાહેરાત કે સાહિત્ય છપાય તેમાં પ્રિન્ટીંગ એજન્સીનું નામ ફરજિયાત રહેશે. સભા, સરઘસ વગેરેની અગાઉથી પરવાનગી લેવા માટે “સુવિધા એપ” નો ઉપયોગ કરી શકાશે. સભા, સરઘસ વગેરેમાં ઉપયોગમાં લેવાનાર તમામ વસ્તુઓ જેવી કે, ખુરશી, મંડપ, વાહનો, ચા-નાસ્તા-ભોજન વગેરેની માહિતી રજૂ કરવી પડશે.
વધુમાં પક્ષ તેમજ ઉમેદવારોએ પ્રચાર કે અન્ય કામ માટે ઉપયોગમાં લેવાનાર વાહનો માટે અગાઉથી પરવાનગી લેવાની રહેશે. તથા પરવાનગી મળ્યા બાદ તેને વિન્ડ સ્ક્રીન પર લગાવવા જણાવાયું હતું. પક્ષ, ઉમેદવારે પ્રચાર કે અન્ય કામ માટે કાર્યાલય ખોલ્યા અંગેની જાણ સંબંધિત અધિકારીશ્રીને કરવાની રહેશે. આદર્શ આચારસંહિતાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ તે અંગે સ્ટારપ્રચારકોને માહિતગાર કરવાની જવાબદારી જે તે પક્ષની રહેશે. પક્ષ અને ઉમેદવારે ગુનાની વિગતો અંગેની જાહેરાત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયામાં આપવાની રહેશે.
આ ઉપરાંત ચૂંટણી ખર્ચના હિસાબોની વિગતો, નાણાકીય હેરફેર અંગેના ચૂંટણી પંચના નિયમોની જાણકારી આપવામાં આવી હતી.
આ બેઠકમાં ભારતીય માન્ય પક્ષો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રફુલ એમ. પટેલ, ભારતીય જનતા પાર્ટીના કમલેશભાઈ પટેલ, આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા સહિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, સુપર ન્યુમિરી કલેક્ટર પ્રતિભા દહિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જીજ્ઞાબેન દલાલ, નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછાર, સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.









