દેશભરમાં આવતીકાલે તારીખ 13 માર્ચના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પી.એમ.સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરાશે
જામનગરમાં ધનવંતરી ઓડીટોરિયમ ખાતે આવતીકાલે તારીખ 13 માર્ચના રોજ કાર્યક્રમ યોજાશે

જામનગર તા.12 માર્ચ,
વાત્સલ્યમ સમાચાર
રિપોર્ટર પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર .
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવતીકાલે તારીખ 13 માર્ચના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં ”સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણ વેબ પોર્ટલ લોન્ચિંગ” (પી.એમ. સૂરજ/PM SU-RAJ), પ્રધાનમંત્રી દક્ષ યોજના, પ્રધાનમંત્રી નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરવામાં આવશે.
આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં 522 જેટલા જિલ્લાઓ વર્ચ્યુઅલ રીતે જોડાશે. જેમાં શ્રમિકો, સફાઈ કર્મચારીઓ અને ટેન્ક ક્લીનર્સને વિવિધ સહાયના લાભ વિતરણ થકી લાભાન્વિત કરવામાં આવશે. તેમજ શ્રમિકોને આયુષ્માન કાર્ડ અને પી.ઈ.ઈ. કીટ્સનું વિતરણ કરશે.
કાર્યક્રમનો ઉદ્દેશ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગને મુખ્ય ધારામાં લાવવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓ થકી લાભાન્વિત કરવાનો છે. રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વિવિધ જિલ્લા કલેકટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, વિવિધ આયોગ, નિગમ, જાહેર હિતની સંસ્થાના પદાધિકારીગણ અને અધિકારીગણ જોડાશે. ગુજરાત રાજ્યમાંથી અંદાજિત 20,000 જેટલા લોકો વર્ચ્યુઅલ માધ્યમ થકી આ કાર્યક્રમમાં ભાગ લેશે.










