
દેડિયાપાડા ખાતે ભરૂચ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભવ્ય ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો*

તાહિર મેમણ : ડેડીયાપાડા – 23/02/22024 : નર્મદા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતગાર અને માર્ગદર્શિત કરવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેતીવાડી વિભાગ નર્મદાના સંયુક્ત ઉપક્રમે દેડિયાપાડા તાલુકાના આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, આપણા આદિવાસી ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને સારુ ઉત્પાદન અને આવક મેળવી રહ્યાં છે. પરંતુ આજે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે. વધુમાં ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવવા માટે આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સમયાંતરે તાલીમ અને માર્ગદર્શન પુરુ પાડી રહ્યાં છે.
આ પ્રસંગે મોતીભાઈ વસાવાએ જળ, જંગલ અને જમીનને બચાવવા માટે પ્રકૃતિપ્રેમી આદિવાસી ખેડૂત બાંધવોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં જમીનના પ્રકારને ધ્યાને લઈને ખેતીની આવકમાં વધારો કરતી સરકારની પ્રભાવશાળી સોઈલ હેલ્થ કાર્ડ વિશે પણ પૂર્વ મંત્રીએ ખેડૂતોને વિસ્તૃત સમજ પુરી પાડી હતી.









