
વિજાપુર પિલવાઈ કોલેજ માં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ડૉ. જે.ડી. તલાટી વિદ્યાસંકુલ ખાતે શાનદાર રીતે કવિસંમેલન યોજાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
21મી ફેબ્રુઆરી એટલે ‘ વિશ્વ માતૃભાષા દિવસ ‘.
વિશ્વ માતૃભાષા દિવસના આ અવસરને આગવી રીતે ઉજવવા વિજાપુર તાલુકા ની પિલવાઇ કોલેજ ખાતે આવેલ ડૉ. જે.ડી. તલાટી વિદ્યાસંકુલના સેમિનાર હોલમાં ‘ મળી માતૃભાષા મને ગુજરાતી ‘ અંતર્ગત માતૃભાષાનો મહોત્સવ એક વિશિષ્ટ રીતે ઉજવાયો હતો. જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી યુ.પી. આર્ટ્સ, શ્રીમતી એમ.જી. પંચાલ સાયન્સ અને શ્રી વી.એલ. શાહ કોમર્સ કોલેજ, વાડીલાલ રવચંદ શાહ બી.એડ. કોલેજ અને નાનાલાલ રણછોડદાસ રાવલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પિલવાઇના સંયુક્ત ઉપક્રમે 21મી ફેબ્રુઆરી ને બુધવારના રોજ બપોરના રોજ માતૃભાષા ગુજરાતીની ઉજવણી કરવા માટે શાનદાર કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રાકેશ પ્રજાપતિ ( આઈ. ટી. આઈ. )એ સુમધુર પ્રાર્થના ગાઈ હતી. ત્યાર પછી તરત જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ ઝાના શુભેચ્છા સંદેશનો વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો. આચાર્ય સંજય શાહે સભાગૃહને સંબોધીને આવકાર આપવા સાથે સ્વરચિત ગુજરાતી કવિતાનું ભાવવાહી પઠન કર્યું હતું અને માતૃભાષાની વંદના કરી હતી. કાર્યક્રમના સંયોજક યશોધ રાવલે કવિસંમેલનમાં ઉપસ્થિત કવયિત્રીઓ અને ઉદઘોષકનો તથા કોલેજ સંચાલક મંડળના મંત્રી પ્રવીણકુમાર વ્યાસ અને ટ્રસ્ટી શામજીભાઈ ગોર તથા અન્ય મહેમાનોનો લાક્ષણિક રીતે પરિચય કરાવ્યો હતો. 21મી ફેબ્રુઆરી ‘ વિશ્વ માતૃભાષા દિવસ ‘ તરીકે શા માટે મનાવવામાં આવે છે તેનો રસપ્રદ ઇતિહાસ સંયોજક યશોધર રાવલે સંક્ષિપ્તમાં કહ્યો હતો. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરીને ઉષ્માપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું. સ્વાગત પછી કવિસંમેલનમાં ઉપસ્થિત ગુજરાતની નામાંકિત કવયિત્રીઓ રક્ષા શુક્લ, દેવાંગી ભટ્ટ અને રિન્કુ રાઠોડે તેમની રસપ્રદ કાવ્યરચનાઓની પ્રસ્તુતિ કરીને કાર્યક્રમને જીવંત અને ભર્યો ભર્યો બનાવી દીધો હતો. કવિ સંમેલનના ઉદઘોષક તેજસ દવેએ ખૂબ સુંદર સૂત્ર સંચાલન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોલેજના ટ્રસ્ટી શાજીભાઈ ગોર અને ઉપાચાર્ય ગૌરાંગ જાનીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. આઈ. ટી. આઈ. નાં સુપરવાઈઝર હેતલ ત્રિવેદીએ આભારદર્શન કરવા સાથે માતૃભાષાની ઉજવણી માટે યોજેલા કવિસંમેલન માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સેમિનાર હોલમાં ખાસ્સી એવી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિદ્યાસંકુલની ત્રણેય સંસ્થાના વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક પરિવારે કાર્યક્રમને ઉમંગભેર માણ્યો હતો





