
*22 ફેબ્રુઆરીથી ચૈતરભાઇ વસાવા ભરૂચ લોકસભામાં જન સ્વાભિમાન યાત્રા શરૂ કરશે.*

તાહિર મેમણ : ડેડીયાપાડા – 21-02/2024-આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગરભાઇ રબારીએ એક પ્રેસ કોન્ફરન્સમાં મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ભરૂચ લોકસભા સીટ માટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાનું નામ જાહેર કર્યું હતું અને ચૈતરભાઇ વસાવાએ ભરૂચ લોકસભામાં પુરા જોર શોર સાથે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આવતીકાલે 22 ફેબ્રુઆરીથી ચૈતરભાઇ વસાવા ભરૂચ લોકસભામાં જન સ્વાભિમાન યાત્રા શરૂ કરશે. આ જન સ્વાભિમાન યાત્રા ઝઘડિયા વિધાનસભાના ગુમાનદેવ હનુમાન મંદિરથી સવારે 9 વાગે શરૂ થશે અને આવનારા 21 દિવસો સુધી ભરુચ લોકસભાની તમામ સાત વિધાનસભાઓમાં ભ્રમણ કરશે. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, જિલ્લા અને તાલુકાના તથા સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે.
આ જન સ્વાભિમાન યાત્રા ભરૂચ લોકસભાની દરેક વિધાનસભામાં ત્રણ દિવસ સુધી વિવિધ ગામોમાં ફરશે અને 21 દિવસ બાદ દેવમોદરા માતાના મંદિર ખાતે જન સ્વાભિમાન યાત્રા પૂર્ણ થશે. આ યાત્રાની સાથે સાથે દરેક કામોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન પણ થશે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો હાજરી આપશે. આ યાત્રા દ્વારા ચૈતરભાઈ વસાવા સમગ્ર લોકસભામાં ઘરે ઘરે સુધી પહોંચવામાં સફળ રહેશે. આમ આદમી પાર્ટીની આ યાત્રા આગામી લોકસભા ચૂંટણી માટે ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ યાત્રામાં સ્પષ્ટ થઈ જશે કે સમગ્ર આદિવાસી સમાજ અને ભરૂચના તમામ સમાજના અને દરેક વર્ગના લોકો આ વખતે ફક્ત ચૈતરભાઈ વસાવાને પોતાના સાંસદ તરીકે ચુંટશે તેવું તેમના દ્વારા જણાવામાં આવ્યું છે.









