
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ,તા-28 એપ્રિલ : લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચ્છશ્રી અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ૧૫ દિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે સમગ્ર જિલ્લામાં ફ્લેશ મોબ અંતર્ગત ભુજ શહેરમાં બેન્ડની ટીમ દ્વારા જ્યાં જાહેર જનતાની ભીડ વધુ રહે છે તેવા સ્થળોએ બેન્ડની પ્રસ્તુતિ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.ફ્લેશ મોબ અંતર્ગત ભુજ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ બેન્ડની પ્રસ્તુતિ રજૂ કરી હતી. શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર,મિરજાપર, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ,ભુજ, માતૃશ્રી આર. ડી. વરસાણી, ભુજ જેવી સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા ભુજ શહેરમાં વિવિધ સ્થળો જેવા કે હમીરસર તળાવ થી લેકવ્યુ હોટેલ, જ્યુબિલિ સર્કલ, પૅન્શનર ઓટલાથી બસ સ્ટેન્ડ સુધીના માર્ગો ઉપર બેન્ડની પ્રસ્તુતિ દ્વારા બહોળા મતદાર વર્ગ સુધી મતદાન જાગૃતિનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.આજના આ કાર્યક્રમ થકી અંદાજિત ૧૨ હજાર કરતાંય વધુ જનમેદની સુધી મતદાન જાગૃતિ સંદેશ પહોંચાડી શકાયો હતો .સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આયોજન TIP નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ નેજા હેઠળ SVEEP નોડલ અધિકારીશ્રી બી.એમ.વાઘેલા, મદદનીશ નોડલ શ્રી જી.જી.નાકર, શ્રી શિવુભા ભાટી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.










