ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર

રાજ્યમાં વર્ષોથી બદલીની રાહ જોતા શિક્ષકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. શિક્ષણ વિભાગે બદલીના નિયમો જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી અટકી પડેલી શિક્ષકોની બદલી પ્રક્રિયા ફરી શરૂ થશે. તેમજ જિલ્લા વિભાજન અન્વયે થતી બદલીઓનો ઠરાવમાં સમાવેશ કરાયો છે. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે જે અનુસાર જિલ્લા ફેર બદલી તેમજ આંતરિક બદલીનો ઠરાવ જાહેર કરાયો છે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષકો બદલીની માગ કરી રહ્યા છે. શિક્ષકોની બદલીને લઇને વિવિધ શિક્ષક સંઘે સરકાર સાથે 6 જેટલી બેઠક પણ કરી હતી. આ બેઠકમાં શિક્ષકોના હક્કમાં નિર્ણય લેવાયો છે.
શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે જે અનુસાર જિલ્લા ફેર બદલી તેમજ આંતરિક બદલીનો ઠરાવ જાહેર કરાયો છે. વધ-ઘટ બદલી, જિલ્લા આંતરિક બદલી, જિલ્લા એક તરફી બદલીનો ઠરાવમાં સમાવેશ કરાયો છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલા જ બદલી કેમ્પ પૂર્ણ કરવાનું આયોજન અને શાળાઓ બંધ અથવા મર્જ થતા સમયે થતી બદલીનો પણ ઠરાવમાં ઉલ્લેખ કરાયો છે. હાઈકોર્ટમાં 250થી વધુ પિટિશન કરાઈ હતી. હાઈકોર્ટમાં મામલો પહોંચતાં બદલી કેમ્પ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પણ બદલી કેમ્પુ મોકુફ રહેતા અટકી પડી હતી. જો કે, હવે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યો છે.
તાજેતરમાં જ સરકાર, પ્રાથમિક શિક્ષક સંઘ સહિત રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના સભ્યો તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓએ બદલીને લઈને કમિટી બનાવી હતી. આ કમિટીએ છ જેટલી બેઠકો કરીને બદલીના નિયમોમાં કેટલાક ફેરફારો કરવાની માગ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ગત સપ્તાહે શિક્ષણ વિભાગના મંત્રીઓ અને આગેવાનોની બેઠક મળી હતી.