
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા પુરસ્કૃત ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ નિમિત્તે ગિરિમથક સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વિવિધ સમત સ્પર્ધાઓ યોજાઈ હતી.
હોકી, આર્ચરી, અને એથ્લેટીક્સની રમતમાં જોમ અને જુસ્સા સાથે ભાગ લેતા ખેલાડી સ્પર્ધકોને પારિતોષિકોનું વિતરણ કરતા ડાંગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટિલે, યુવા રમતવીરોને ખેલદિલી અને ભાઈચારાની ભાવના સાથે નિયત ગોલ સુધી પહોંચવાની અપીલ કરી હતી.
વ્યસનથી દુર રહી સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતા કેળવવાની હિમાયત કરતા શ્રી પાટિલે, સ્પોર્ટ્સમેનશીપ એ દરેક ખેલાડીનો જીવનમંત્ર હોવો જોઈએ તેમ કહ્યું હતું. તેમણે યુવા પેઢીને મોબાઈલના દુરોપયોગ સાથે સાયબર ક્રાઇમ, ઓનલાઇન ગેમિંગ, અને જુગારના રવાડે ન ચડતા, ટેકનોલોજીના સદુપયોગ થકી, જીવનને બહેતર બનાવવાની પણ અપીલ કરી હતી.
ડાંગના જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અંકુર જોષી તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર ઉપસ્થિત મહાનુભાવોએ, દરેક રમતની ફાઈનલ સ્પર્ધાનો શુભારંભ કરાવી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. દરમિયાન મેજર ધ્યાનચંદજીના જન્મ દિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય, ફૂલહાર અને કેક કાપી ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ની ઉજવણી કરી, વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલથી પણ સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના વિવિધ રમતના કોચ એવા શ્રી જીતેન્દ્ર રાજપૂત (આર્ચરી કોચ), શ્રી પ્રકાશ બારિયા (એથ્લેટીક્સ કોચ), શ્રી સંજય ભોજીયા (હોકી કોચ), તથા ડી.એલ.એસ.એસ. ટ્રેનર અને ડાંગ જિલ્લાની ઇન્સ્કુલ શાળાના ટ્રેનર્સ, તેમજ ડી.એલ.એસ.એસ. મેનેજર શ્રી જગદીશ ગાવિત, ટેકનીકલ મેનેજર, તમામ એસ.એ.જી.ના કર્મચારીઓએ ઉપસ્થિત રહી આ સ્પર્ધાની આયોજન વ્યવસ્થા સંભાળી હતી.