
તા.૨૭/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: હિરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આતંકવાદીઓ દ્વારા પ્લેન હાઇજેક કરી મુસાફરોને બંધક બનાવવામાં આવતા એન્ટી હાઇજેકીંગ કમિટી દ્વારા સફળ ઓપરેશન પાર પાડી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતાં.
આજે સવારે ૧૦:૩૦ કલાકે એન્ટી હાઈજેકિંગ મોક એક્સરસાઇઝ અંતર્ગત પ્લેન હાઇજેક થતા એરોડ્રોમ કમિટી હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, સી.આઈ.એસ.એફ. તેમજ એરપોર્ટ સિક્યુરિટી વિભાગ સાથે સંકલનમાં રહીને સી.આઈ.એસ.એફ.ના કમાન્ડોએ દિલધડક ઓપરેશન પાર પાડી હાઇજેકર્સને બંધક બનાવી મુસાફરોને મુક્ત કરવામાં આવ્યા હોવાનું ચીફ સિક્યુરિટી ઓફિસરશ્રી અમિત કુમારે જણાવ્યું હતું.
પ્લેન હાઈજેકિંગ મોકડ્રિલ અંતર્ગત એરોડ્રોમ કમિટી દ્વારા પેસેન્જરની સુરક્ષા, કમ્યુનિકેશન, લો એન્ડ ઓર્ડર જાળવણી, ડોક્ટર, બ્લડ બેન્ક, હોસ્પિટલની સુવિધાઓ, ફૂડ પેકેટ, ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હતી.
આજની મોકડ્રિલ અન્વયે પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, ડી.સી.પી.શ્રી સુધીર દેસાઈ, એરપોર્ટ ઓથોરિટીના ડિરેક્ટર દિગંત બોહરા, સી.આઈ.એસ.એફ. ના ચીફ સિક્યુરિટી ઓફિસર તારાચંદ, સી.એન.એસ. ના એ.જી.એમ. પ્રશાંત કુમાર, એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી જી.એસ.ગામીત, ફાયર અને ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીશ્રીઓ, એરલાઈન્સના મેંજેર શ્રી સહીત કમિટીના અન્ય વિવિધ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.