
૧૮-ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- મુન્દ્રા શહેરમાં આગામી 19 ફેબ્રુઆરી 2023ને રવિવારના દિવસે મુન્દ્રાના રોટરી હોલ મધ્યે સવારે ૧૦ થી ૧ દરમ્યાન કે.સી.આર.સી. (અંધજન મંડળ)ભુજ, મુન્દ્રા લોહાણા મહાજન અને રોટરી ક્લબ ઓફ મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર તથા દંત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં મોતિયો, વેલ, ઝામર સહિતના આંખના રોગોનું નિદાન કરવાની સાથે દાંતના ડોક્ટર સંજયભાઈ કુરેશી પણ સેવા આપશે.
તપાસમાં મોતિયો તથા વેલની તકલીફ ધરાવતા લોકોને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે તથા દર્દીને મુન્દ્રાથી ભુજ લેવા મુકવાની વ્યવસ્થા પણ સંસ્થા તરફથી કરવામાં આવે છે. કેમ્પમાં દવા તથા ટીપાં કે.સી.આર.સી. તરફથી જ્યારે સમગ્ર કેમ્પમાં આર્થિક સહયોગ સાથે નજીકના તથા દૂરના નંબરવાળા ચશ્મા લોહાણા મહાજનના પ્રમુખ કિશોરભાઈ ચોથાણી (મહાલક્ષ્મી શોપિંગ મોલ) પરિવાર તરફથી સ્વ. માતૃશ્રી લક્ષ્મીબેન લાલજી ચોથાણીના સ્મરણાર્થે વિના મૂલ્ય આપવામાં આવશે. છેલ્લા બે વર્ષથી દર મહિનાની 19 તારીખે યોજાતા કેમ્પમાં અત્યાર સુધીમાં 1000થી વધારે લોકોને દાતા પરિવાર તરફથી વિના મૂલ્ય ચશ્મા વિતરણ કરવામાં આવેલ છે અને રવિવારે પણ વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લે એ માટે રોટરી કલબના પ્રમુખ સુનિલભાઈ વ્યાસ તરફથી અપીલ કરવામાં આવી છે.