
તા.૩૧/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર તાલુકાના જેતલસર ગામે રક્ષાબંનધનનો તહેવાર ખાસ રીતે ઉજવવામાં આવે છે અહીં હળીયું દોડ એટલે કે હળ દોડ થાય છે. જેમાં આવતા વર્ષે વરસાદ કેવો રહેશે અને કેટલો આવશે તેનો વરતારો એટલે કે ભવિષ્ય જોવામાં આવે છે,

જેતલસર ગામમાં સવારે રક્ષાબંધનના તહેવાર બાદ સાંજના સમયે ગામ લોકો ગામના ચોરે એકઠા થાય છે. અને વરતારાની વિધિ કરવામાં આવે છે, પેલા તો માટીના ચાર નાના ઘડા એટલે કે નાની માટલી લેવામાં આવે છે. જેને વર્ષની ત્રણ ઋતુઓમાં ચોમાસામાં આવતા ચાર મહિનાના જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો નામ આપવામાં આવે છે. અને આ ચાર ઘડાઓ ખેડૂતોના નાના બાળકોને બોલાવી તેઓના હાથે ઘડા પાણીથી ભરવામાં આવે છે, અને તે ઘડા ગામના પાદરથી થોડે દૂરથી ચારેય સ્પર્ધક બાળકોને ખંભે રખાવી દોડ કરવામાં આવે છે અને જે સ્પર્ધકના ઘડામાં કેટલું પાણી વધ્યું તે પરથી આવતા વર્ષે વરસાદ કેવો રહેશે અને ક્યાં મહિનામાં કેટલો વરસાદ પડશે તેનો વરતારો બતાવવામાં આવે છે. ત્યારબાદ આ ભરેલા ઘડાઓનું હળ સાથે રાખી ભૂમિપુત્રોના હાથે પૂજન કરવામાં આવે છે, અને ઘડાઓને હળ સાથે ટકરાવી તોડવામાં આવે છે.

ઘડાઓ તૂટી ગયા બાદ ચારેય સ્પર્ધક બાળકોની દોડ લગાવવામાં આવે છે અને તેનો ઉત્સાહ વધારવામાં ઉપસ્થિત ગામવાસીઓ ઢોલ નગારા તેમજ ચિચિયારીઓ સિટીઓ વગાડે છે. અને વિજેતા સ્પર્ધકને ખેડૂતોની નિશાની એવું હળ આપવામાં આવે છે. આજે જોવાયેલ વરતારામાં આવતા વર્ષે ભાદરવા મહિનામાં સારો વરસાદ પડશે તેમજ મૌસમના ચારેય મહિનાનો ૭૫ થી ૮૦ ટકા જેવો વરસાદ થશે તેવો વરતારો ઉપરથી અનુમાન લગાવવામાં આવ્યું છે.








