વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના એસ.પી યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ દ્વારા જિલ્લામાં એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડ નાં પરીક્ષાર્થીઓને કોઈ પણ મુશ્કેલીઓ જણાય તો યોગ્ય મદદ કરવાની સૂચના જે તે પોલીસ મથકે આપી હતી.તેવામાં ગતરોજ વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ.પી.બી.ચૌધરીનાઓની ટીમ પરીક્ષા બંદોબસ્ત પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન વુમન.પો.કો.રેખાબેન સોમાભાઈ ચૌધરીને માહિતી મળેલ કે બે પરીક્ષાર્થીઓ પીંપરી હાઇસ્કુલ પરીક્ષા કેન્દ્રની જગ્યાએ ભૂલથી વઘઇ આદર્શ નિવાસી શાળા પરીક્ષા કેન્દ્ર ખાતે પોહચી ગયા હતા.વધુમાં પરીક્ષા 3.00 વાગ્યાથી ચાલુ થવાની હોય જેથી પરિક્ષાર્થીઓ ખરા સમયે અટવાયા હતા.પરીક્ષાને માત્ર 15 મિનિટ જ બાકી રહેવા પામી હતી.જેથી વિદ્યાર્થીઓ હતાશાની ગર્તામાં ધકેલાયા હતા. પરંતુ વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ. પી.બી.ચૌધરીએ સમગ્ર બાજી સંભાળી લઈ આ બન્ને વિદ્યાર્થીઓને હિંમત આપી સરકારી પોલીસ જીપમાં બેસાડી વઘઇથી પીંપરી હાઈસ્કૂલનું 15 કિમીનું અંતર માત્ર 14 મિનિટમાં કાપી સમયસર આ બન્ને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રનાં પરીક્ષા ખંડમાં પોહચાડયા હતા.ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ.પી.બી.ચૌધરીએ આ બન્ને વિદ્યાર્થીઓને હિંમત આપી સહેજ ગભરાયા વગર પરીક્ષા આપવાનો હોસલો આપ્યો હતો.જેના પગલે વિદ્યાર્થીઓનાં મોઢા પર પણ સ્મિત રેડાયુ હતુ. ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ.પી.બી.ચૌધરી અને પોલીસની ટીમે દેવદૂત બની આ બન્ને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય બચાવી લેતા તેઓની કામગીરી ને સૌ કોઈએ બિરદાવી હતી….





