Navsari: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ૨૨ મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદરે જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ગામની મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૨ ફેબ્રુઆરીના રોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પધારનાર છે. વાંસી-બોરસી ખાતે પી.એમ.મિત્ર પાર્કના યોજાનારા કાર્યક્રમ સંદર્ભે રાજ્યના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદર, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી રાહુલ ગુપ્તા સહિતના રાજયના ઉચ્ચ અધિકારીશ્રીઓએ વાંસી-બોરસી ગામની મુલાકાત લઇ જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદરે જલાલપોર તાલુકામાં યોજાનારા કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ સ્થળ તેમજ કાર્યક્રમના આયોજન વિશે વિગતવાર માહિતી આપી હતી.
અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદરે કાર્યક્રમના સુચારૂ સંચાલન બાબતે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તદ્દઉપરાંત પ્રધાનમંત્રીના કાર્યક્રમના આયોજન માટે નિયુક્ત કરવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી હતી અને તેમને જરૂરી સૂચનો કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન સુરત મ્યુનિસિપાલ કમિશનરશ્રી શાલિની અગ્રવાલ, નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ, વાંસદા પ્રાયોજના વહીવટદાર શ્રી આનન્દુ સુરેશ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.








